Get The App

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે 'સેન્સ પ્રક્રિયા', મહિલા દાવેદારો પર સૌની નજર

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે 'સેન્સ પ્રક્રિયા', મહિલા દાવેદારો પર સૌની નજર 1 - image


Surat Corporation : સુરત પાલિકામાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક બાદ હવે ગેઝટ જલ્દી આવતા નજીકના દિવસોમાં પાલિકામાં બોર્ડ બનશે. હવે આગામી દિવસોમાં સુરતના છઠ્ઠા મહિલા મેયર સાથે પદાધિકારીઓની નિમણૂક માટે તૈયારી થઈ રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જેમ મેયર સહિતના પદાધિકારીઓ માટે સંગઠન-ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. આવતીકાલે શનિવારે (2 મે, 2026) એ સવારે 10 વાગ્યાથી ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરુ થશે અને ત્યારબાદ પેનલમાં નામ નક્કી થશે. 

ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી

સુરત પાલિકામાં કોંગ્રેસના બળવાથી સત્તા પર આવેલા ભાજપે 2026ની ચૂંટણીમાં પણ સતત સાતમી વાર પાલિકા પર ભગવો લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી છે.  આગામી ટર્મ માટે મેયર તરીકે મહિલા (જનરલ) અનામત છે, તેથી મહિલા મેયર બનશે તે નક્કી છે. 

આ ચૂંટણીમાં ભાજપમાંથી 58 મહિલાઓ વિજેતા બની છે, જેમાંથી એક મહિલા મેયર માટે કોને લોટરી લાગે છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે. તો બીજી તરફ સ્થાયી સમિતિ અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, સ્થાયી સમિતિ સભ્ય અને વિવિધ સમિતિઓના ચેરમેન બનવા માટે ભાજપમાં જ ભારે સ્પર્ધા ચાલી રહી છે. 

આ પણ વાંચો: છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના 'હાઇજેકિંગ'નો ડર, ભાજપના ભયથી વિજેતા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્યા

ઉધના ભાજપ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા કરાશે

સુરતમાં રેકર્ડ બ્રેક બેઠક મેળવ્યા બાદ ભાજપે મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક પહેલા સેન્સ લેવા માટેની પ્રક્રિયા રાખી છે. શનિવારે સવારે 10 વાગ્યે ઉધના ખાતે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો, માજી પ્રદેશ મંત્રી, માજી ધારાસભ્ય આવશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સાંસદ, ધારાસભ્ય, શહેર ભાજપના હોદ્દેદારો, શહેર હોદ્દેદારો સહિત અપેક્ષિત પાસે સેન્સ લેવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેનલ તૈયાર કરવામાં આવશે અને પ્રદેશ કારોબારીમાં કોણ સુરતના મેયર, પદાધિકારીઓ બનશે તેના નામ નક્કી કરવામાં આવશે. 

જીત બાદ ભાજપ માટે હવે સૌથી મોટી કસોટી આંતરિક સંતુલન જાળવી યોગ્ય ચહેરાઓને જવાબદારી સોંપવાની રહેશે. આગામી થોડા દિવસોમાં લેવાતા નિર્ણય સુરતમાં આગામી પાંચ વર્ષના શાસનની નવી દિશા જોવા મળશે.