આજે પ્રમુખ-ઉપપ્રમુખની ઔપચારિક ચૂંટણી થશે : ભાજપે બળવો કરવા કોઈ તક જ ન આપી! : સેન્સ પ્રક્રિયા બાદ માત્ર સિંગલ ફોર્મ ભરાવીને વગદારોનું લોબિંગ ઉંધું પાડયું
રાજકોટ, : રાજકોટ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે સત્તાનું સુકાન સોંપવાની પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રદેશ નેતાગીરીના આદેશ અનુસાર પક્ષ દ્વારા તમામ તાલુકા પંચાયતો માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળતા જ નિયુક્ત કરાયેલા તમામ હોદ્દેદારોએ સ્થાનિક અગ્રણીઓ અને સમર્થકોની હાજરીમાં પોતપોતાના ઉમેદવારી પત્રો સબમિટ કરી દીધા છે. માત્ર સિંગલ ફોર્મ જ ભરાયા હોવાથી આ તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે, જેની સત્તાવાર વરણી આવતીકાલે શનિવારે પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં સંભવિત અસંતોષને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડની વ્યૂહરચના સ્પષ્ટપણે જોવા મળી છે. જેમાં ભાજપે પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી સહિતના તમામ જ્ઞાાતિ સમીકરણોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. સૌથી મોટી વિશેષતા એ છે કે, ધોરાજી, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, રાજકોટ, પડધરી, જસદણ અને વિછીયા સહિત 8 તાલુકાઓમાં પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ પદમાં પણ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ચૂંટણી જીત્યા બાદ પ્રમુખ પદ માટે જિલ્લામાં ભારે લોબિંગ ચાલ્યું હતું. પરંતુ પ્રદેશ નેતાગીરીએ સેન્સ પ્રક્રિયા બાદ માત્ર 'સિંગલ ફોર્મ' ભરાવીને બળવાની તમામ શક્યતાઓને ડામી દીધી છે . હવે આવતીકાલે મળનારી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં આ નામોની સત્તાવાર જાહેરાત સાથે કારોબારી ચેરમેન સહિતના અન્ય મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવશે.


