મારું જો જો... વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવારોએ 'પાર્ટી' સાઇડમાં મૂકી 'પોતાની' દુકાનો ખોલી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Local Body Elections 2026: મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પહોંચ્યો છે. શહેરમાં એકબાજુ ગરમીનો પારો આસમાને છે, ત્યારે બીજીબાજુ ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રદેશ નેતાગીરી દ્વારા 'પેનલ ટુ પેનલ' મતદાન માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના ઉમેદવારો હવે પોતાના જ સાથીદારોના પાયા ખોદી રહ્યા હોય તેમ 'મારું જો જો' કહીને વ્યક્તિગત પ્રચારમાં વ્યસ્ત બન્યા છે.
પાર્ટી સાઈડમાં, પોતાની 'દુકાન' ખુલ્લી!
અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ભાજપના ઉમેદવારોમાં એક પ્રકારનો ફાળ પેઠો છે. જે વોર્ડમાં પેનલના અન્ય સભ્યો નબળા હોય અથવા જેમના પ્રત્યે જનતામાં રોષ હોય, ત્યાં બાકીના ઉમેદવારો હવે 'કમળ'ના નિશાન કરતા પોતાના ચહેરા અને વ્યક્તિગત સંબંધોને આગળ ધરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક ઉમેદવારો મતદારોના કાનમાં ધીમેથી કહી રહ્યા છે કે, 'પેનલનું જે થવું હોય તે થાય, પણ મારું જરા જોઈ લેજો!'
'કમલમ'માં ફફડાટ અને નેતાગીરીના આકરા તેવર
ઉમેદવારોના આ અંગત સ્વાર્થની વાતો પ્રદેશ કાર્યાલય 'કમલમ' સુધી પહોંચતા નેતાગીરી લાલઘૂમ થઈ છે. પ્રદેશ નેતાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે "પાર્ટી મોટી છે, વ્યક્તિ નહીં." તેમ છતાં, પાંચ વર્ષની સત્તાનો મોહ ઉમેદવારોને પક્ષની શિસ્ત તોડવા મજબૂર કરી રહ્યો છે.
આંતરિક ડર અને બળવાની ભીતિ
ઉમેદવારોને ભીતિ છે કે જો પેનલના કોઈ એક સભ્ય સામે એન્ટી-ઇન્કમ્બન્સી હશે તો તેની સાથે પોતે પણ હારી જશે. ટિકિટ ન મળતાં અનેક દાવેદારો કાં તો નિષ્ક્રિય થઈ ગયા છે અથવા 'પાછલા બારણે' વિપક્ષને મદદ કરી રહ્યા છે. ઉમેદવારો પક્ષના એજન્ડાને બદલે પોતાના જ્ઞાતિ કે સમાજના જોરે જીતવા મથામણ કરી રહ્યા છે.
શું પેનલોના ફુરચા ઊડશે?
કાર્યકરોમાં ગણગણાટ છે કે જો દરેક ઉમેદવાર પોતાની વ્યક્તિગત દુકાન ચલાવશે, તો ભાજપનો 'ક્લીન સ્વીપ'નો દાવો પોકળ સાબિત થઈ શકે છે. શુક્રવારે સાંજે પ્રચારના ભૂંગળા શાંત થશે, પરંતુ ત્યાં સુધીમાં આ 'પોતાના' માટેના મતો માંગવાની રમત પેનલના પાયા કેટલા નબળા કરે છે તે તો પરિણામ જ બતાવશે.








