Gujarat

વહેરાખાડી પાસે હીટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત

By GS TEAM
24 Feb 20262 mins read
વહેરાખાડી પાસે હીટ એન્ડ રનમાં બાઈક ચાલકનું મોત

- અકસ્માત બાદ પિકઅપનો ચાલક વાહન લઈ ફરાર

- ખંભોળજ પોલીસે અજાણ્યા પિકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

આણંદ : આણંદ તાલુકાના વહેરાખાડી નજીક રવિવારે બનેલી એક હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા પિકઅપ ડાલાના ચાલકે એક બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મૃતકના પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. જે મામલે ખંભોળજ પોલીસે પિકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

મૂળ બિહારના વતની અને હાલ બોરસદના પામોલ રોડ ઉપર આવેલા અક્ષર નગર ખાતે રહેતા જય પ્રકાશ સુરેશ રામ પુરોહિતના બનેવીના પડોશી રાજુભાઈ ગત તારીખ ૨૨મી ફેબુ્રઆરીના રોજ તેઓના ઘરે આવ્યા હતા અને સંબંધીના લગ્ન પ્રસંગ વહેરાખાડી ખાતે હોવાથી ત્યાં જવાનું કહેતા જયપ્રકાશ ભાઈના બહેન બનેવી અને ભાણો સિદ્ધાર્થ બાઈક લઈને વહેરાખાડી જવા માટે નીકળ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવી તેવો વેરાખાડીથી ઘરે પરત આવતા હતા ત્યારે પેટ્રોલ પંપ નજીક પુરપાટ ઝડપે આવી ચડેલા પિકઅપ ડાલાના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ઉપર સવાર દંપતી અને ભાણેજ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક પુખરાજભાઈ કૃષ્ણરામ રાજપુરોહિતને ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જ્યારે સીમા કુમારી ઈજાગ્રસ્ત થતા તેઓ સારવાર હેઠળ છે. અજાણ્યો પિકઅપ ડાલાનો ચાલક અકસ્માત સર્જ્યા બાદ ઘટનાસ્થળેથી વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જયપ્રકાશ પુરોહિતે ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.