સાવલી સમલાયા ગામ પાસે પીકઅપ વાનની ટક્કરે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત

વડોદરા,સાવલી નજીક સમલાયા ગામ પાસે પીકઅપ વાનની અડફેટે ગંભીર રીતે ઘાયલ બાઇક સવારનું ૬ દિવસની સારવાર બાદ મોત થયું છે. જે અંગે સાવલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાવલીના ભીમનાથ મંદિર પાસે ગંગોત્રી સ્કૂલની બાજુમાં રહેતો પ્રતિક ગોપાલભાઇ સોલંકી ગરધીયા ગામ પાસે આવેલી ભારત પેરેન્ટાઇલ કંપનીમાં નોકરી કરે છે. ગત ૩૧ મી તારીખે તે બાઇક લઇને નોકરી ગયો હતો. નોકરીથી છૂટીને તે પરત ઘરે આવતો હતો. તે દરમિયાન સમલાયા ગામ નજીક દેવપુરા ગામના પાટિયા પાસે એક પીકઅપ વાનના ચાલકે પ્રતિકની બાઇકને ટક્કર મારતા તે રોડ પર ફંગોળાઈને પડયો હતો. પ્રતિકને બંને પગ તથા માથામાં ગંભીર ઇજા થતા તેને સારવાર માટે જરોદ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું છે.








