Get The App

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા 1 - image

પ્રારંભમાં જ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિથી જનજીવનને અસર

જેસર પંથકમાં વાવણી લાયક પોણો ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ ઃ ઘોઘામાં પા ઈંચથી વધુ, ગારિયાધારમાં ઝાપટું વરસ્યું

ભાવનગર/જેસરભાવનગર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા. માત્ર બે ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન ઉપર અસર થઈ હતી. ચોમાસાના પ્રારંભે જ મનપા તંત્રની પ્રો-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડતા નગરજનોમાં રોષ ફેલાયો હતો.

શહેરમાં આજે સોમવારે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશમાં વીજળીના બિહામણાં અવાજ શરૃ થયા હતા. ત્યારપછી પવન સાથે ધોધમાર વરસાદ શરૃ થતાં માત્ર દોઢથી બે કલાકમાં જ બે ઈંચ જેટલું ૪૭ મિ.મી. પાણી વરસી ગયું હતું. મોસમની આ પ્રથમ શ્રીકાર વર્ષાના એક તરફ નગરજનોએ વધામણાં કર્યા હતા. તો બીજી તરફ કાળિયાબીડ, કરચલિયા પરા સહિતના અનેક વિસ્તારોમાં જાણે પાંચ-છ ઈંચ વરસાદ પડયો હોય તેમ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોની હાલત કફોડી બની હતી. પાણી ઓસરવામાં કલાકો વિતતા રાહદારીઓ ભય વચ્ચે રસ્તો ઓળંગવા મજબૂર બન્યા હતા.

જેસર પંથકમાં પણ બપોરે દોઢ વાગ્યા આસપાસ વીજળીના કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ શરૃ થયો હતો. પોણો ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેમ ચાર કલાકથી વધુ સમય સુધી વીજળી ડૂલ રહી હતી. પીજીવીસીએલના હેલ્પલાઈન નંબર પર ફોન કરતા લાઈટ ફોલ્ટ હોવાના જવાબો આપી હાથ ખંખેરી લેવામાં આવ્યા હતા. તાલુકાના ચિરોડા, સનાળા, રાજપરા (ગંગા સતીના), ઝડકલા, કાત્રોડી, છાપરિયાળી, કરજાળા, દેપલા, રાણીગામ, બીલા, સરેરા, તાતણિયા (સંધીના) સહિતના ગામોમાં પણ મેઘરાજાએ વાવણી લાયક વરસાદ વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. ઘોઘામાં બપોરથી સાંજ સુધીમાં આઠ મિ.મી. અને ગારિયાધારમાં બપોરે એક મિ.મી. વરસાદ વરસ્યો હતો.

ત્રણ ડેમ વિસ્તારમાં અર્ધોથી પોણો ઈંચ પાણી વરસ્યું

મહુવા તાલુકાના ડેમ વિસ્તારોમાં આજે મેઘમહેરના શ્રીગણેશ થયા હતા. માલણ ડેમ વિસ્તારમાં બપોરે બેથી ચાર વચ્ચે અને રોજકી ડેમ વિસ્તારમાં સાંજે ચારથી છ વચ્ચે અર્ધો ઈંચ જેટલો (૧૦ મિ.મી.) વરસાદ વરસ્યો હતો. તેમજ લાખણકા ડેમ વિસ્તારમાં બપોરે બેથી ચાર વચ્ચે પોણો ઈંચ (૨૦ મિ.મી.) વરસાદ વરસી ગયો હતો.