Get The App

ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર 1 - image

મેયર તરીકે ઉષાબેન તલરેજા અને ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા ચૂંટાયા

ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો પરાજય ઃ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન કિશન મહેતા, શાસક પક્ષના નેતા લાલુભા વાળા, દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની નિમણૂંક

ભાવનગરભાવનગર મહાનગરપાલિકામાં આજે ગુરૃવારે પ્રથમ સાધારણ સભા મળી હતી, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી. ભાજપની બહુમતી હોવાથી ભાજપના નગરસેવકો ચૂંટાયા હતા, જયારે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. મેયર અને ડેપ્યુટી મેયરને કાર્યકરો-સમર્થકોએ આવકાર્યા હતાં. મેયર અને ડેપ્યુટી મેયર ઓછું ભણેલા છે ત્યારે કેવો વહીવટ કરે છે ? તેની રાહ જોવી જ રહી.

મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે આજે તા. ર૮ મેને ગુરૃવારે પ્રથમ સાધારણ સભા મળી હતી, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી. પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનાવવાના હતા તેથી ભાજપે ઉષાબેન તલરેજા અને કોંગ્રેસે જશુબેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં ઉષાબેનને ૪૪ અને જશુબેનને ૮ મત મળ્યા હતા તેથી ઉષાબેન તલરેજાને મેયર તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જયારે ડેપ્યુટી મેયરમાં ભાજપે અશોક બારૈયા અને કોંગ્રેસે કિશન મેરને ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં અશોકભાઈ બારૈયાનો વિજય થયો હતો. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટિમાં ભાજપના ૧ર સભ્યની નિયુકિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મેયર ધોરણ-૧૦ પાસ છે અને ડેપ્યુટી મેયર ૯ પાસ છે. બંને પદાધિકારી ઓછુ ભણેલા છે તેથી મહાપાલિકામાં કેવો વહીવટ કરશે ? તેને લઈ લોકોમાં ચર્ચનો માહોલ જામ્યો છે.

સાધારણ સભા બાદ સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી, જેમાં ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂંક કરવામાં આવી હતી, જયારે શાસક પક્ષના નેતા તરીકે લાલુભા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની વરણી કરવામાં આવી છે. ચેરમેન એસવાયબીએ સુધી ભણેલા છે, જયારે શાસક પક્ષના નેતા ૧૦ પાસ અને દંડક એસવાયબીએ સુધી ભણેલા છે. પાંચમાંથી ત્રણ પદાધિકારીનું ભણતર ઓછુ હોવાનુ જણાય રહ્યુ છે. મહત્વના પદ નહીં મળતા કેટલાક સિનિયર નગરસેવકોમાં નારાજ હોવાની ચર્ચા સાંભળવા મળી હતી પરંતુ કોઈ નગરસેવકે ખુલ્લીને વિરોધ નોંધાવ્યો નથી. નારાજ નગરસેવકોને ભાજપ આગેવાનોએ મનામણાં કરવા પડયા હતા તેવી ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. નવા પદાધિકારીઓ કેવુ શાસન કરે છે ? તે જોવુ જ રહ્યું.

ભાવનગરની પૂર્વમાંથી ત્રણ અને પશ્ચિમમાંથી બે પદાધિકારી બન્યાં

ભાવનગર શહેરની પૂર્વ વિધાનસભામાંથી ત્રણ પદાધિકારી બન્યા છે, જેમાં મેયર પીરછલ્લા વોર્ડ, ચેરમેન ઉત્તર સરદારનગર વોર્ડ અને દંડક ઘોઘાસર્કલ વોર્ડના નગરસેવક છે, જયારે ડેપ્યુટી મેયર કુંભારવાડા વોર્ડ અને શાસક પક્ષના નેતા વડવા-બ વોર્ડમાંથી નગરસેવક ચૂંટાયા છે. પદાધિકારીઓની નિમણૂંકમાં પૂર્વનો દબદબો જોવા મળ્યો હતો. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ પણ પૂર્વ વિસ્તારના પીરછલ્લા વોર્ડમાં રહે છે અને આ જ વોર્ડના મેયર પણ બનાવવામાં આવ્યા છે તેથી સંગઠનનું ચાલ્યુ હોવાની ચર્ચા છે.

મેયરને ત્રણ બાળક હોવાનો કોંગ્રેસે વાંધો લીધો

ભાવનગર શહેરના મહિલા મેયરને ત્રણ બાળકો છે અને નિયમ મુજબ બે બાળકો હોય તો જ ચૂંટણી લડી શકાય છે તેથી આ બાબતે આજે સાધારણ સભામાં કોંગ્રેસે આ અંગે વાંધો લીધો હતો. આ બાબતે ઈન્ચાર્જ કમિશનરે જણાવ્યુ હતુ કે, આ બાબતે તેઓ ચૂંટણી અધિકારીને જાણ કરશે અને તેઓ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૦પ બાદ ત્રણ બાળકોનો નિયમ આવ્યો છે તેથી મેયર સામેનો વાંધો ટકે તેમ ન હોવાનુ ભાજપ નગરસેવકોમાં ચર્ચાય રહ્યુ હતું.