Get The App

પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો 1 - image


Gujarat Local Body Elections 2026: રાજ્યમાં આજે (26મી એપ્રિલ) લોકશાહીના મહાપર્વ નિમિત્તે વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પર્વમાં અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જે લોકશાહીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે લગ્નગ્રંથિથી જોડાનારા અનેક વર-કન્યાઓએ "પહેલા મતદાન, પછી કન્યાદાન"ના સૂત્રને સાર્થક કરી લગ્નવિધિ પહેલા મતદાન કરવાને પ્રાધાન્ય આપ્યું હતું.

જામનગરમાં ભાઈ-બહેને સાથે નિભાવી પવિત્ર ફરજ

જામનગરના ગુલાબનગરમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના ભાઈ અને બહેનના આજે એકસાથે લગ્ન છે. લગ્નના વ્યસ્ત શિડ્યુલ અને વિધિઓ વચ્ચે પણ બંને ભાઈ-બહેને સૌથી પહેલા મતદાન મથકે પહોંચી પોતાનો મત આપ્યો હતો અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

શણગારેલી કારમાં મતદાન કરવા પહોંચ્યા વરરાજા

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વરરાજા નીતિન પંચાલ પોતાની શણગારેલી કાર સાથે રખાપુર મતદાન મથકે પહોંચ્યા હતા. લગ્નના પગરખાં પહેરતા પહેલા તેમણે લોકશાહીની ફરજ બજાવી હતી. તેવી જ રીતે મેઘરજમાં પાર્થ સુથાર અને દિયા સુથાર નામના યુગલે પણ લગ્નવિધિ પૂર્વે મતદાન કરીને જાગૃત નાગરિક હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, તાપીમાં ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણ

રાજકોટમાં પિયરનું છેલ્લું મતદાન યાદગાર બની ગયું

રાજકોટ જિલ્લામાં પણ અનેક કન્યાઓએ મતદાન કરીને સૌના દિલ જીતી લીધા છે. ત્યારે જસદણના આટકોટમાં દીનતા વઘાસિયા નામની દુલ્હને લગ્ન પહેલા મતદાન કર્યું. તેણે ભાવુક થઈને જણાવ્યું કે, 'આજે મારા લગ્ન છે અને આજે જ લોકશાહીનો પર્વ પણ છે. મારા પિયરમાં આ મારું અંતિમ મતદાન છે, જે મારા માટે ખૂબ ગર્વની વાત છે.'

બીજી તરફ જેતપુરના ડેડરવા ગામે અવની દુધાત્રા નામની દુલ્હને લગ્નના શુભ મુહૂર્ત પહેલા મતદાન મથક પર પહોંચી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.

છોટા ઉદેપુરના ધંધોડાની બે કન્યાઓએ કર્યું મતદાન

છોટા ઉદેપુર જિલ્લામાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ધંધોડા ગામની બે કન્યાઓએ લગ્ન પૂર્વે મતદાન કરીને અન્ય મતદારોને પણ ઘરની બહાર નીકળી અવશ્ય મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો. આમ, ગુજરાતના આ નવયુગલોએ સાબિત કરી દીધું છે કે અંગત જીવનના ગમે તેવા મોટા પ્રસંગો હોય, પણ દેશ અને લોકશાહી પ્રત્યેની ફરજ સૌથી ઉપર છે.