બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે ચાલી રહેલા કાનૂની વિવાદ વચ્ચે આજે યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠક પ્રમુખની ગેરહાજરીને કારણે મુલતવી રાખવામાં આવી છે.
બીસીએ ચૂંટણીના પરિણામો પર હાલ હાઈકોર્ટે રોક લગાવી છે. અને વર્તમાન કાર્યકારી સમિતિને માત્ર રોજિંદા (ડે ટુ ડે) કામકાજ માટે જ મંજૂરી આપી છે. બેઠક બોલાવવામાં આવતા પહેલાં જ તેના કાનૂની આધાર અંગે પ્રશ્નો ઊભા થતા વિવાદે જોર પકડયું હતું.
પૂર્વ સેક્રેટરી દ્વારા એપેક્સ કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવતા વિવાદ થયો હતો. બેઠકના નિર્ણય સામે પૂર્વ એપેક્સ સભ્યએ વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, હાઈકોર્ટના નિર્દેશ મુજબ કોઈ મોટા નાણાકીય નિર્ણય લેવો ગેરકાયદેસર છે.
બેઠકના એજન્ડામાં એચ.આર. સંબંધિત ભલામણો, સકર્યુલર રિઝોલ્યુશનની માન્યતા, બીપીએલ-૨ ટૂર્નામેન્ટનું આયોજન, ગ્રાઉન્ડ માટે માટી ખરીદી ખર્ચ, સીઈઓનો અહેવાલ તેમજ વિવિધ નાણાકીય મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત આર્થિક વર્ષ ૨૦૨૫-૨૬ના ખર્ચને મંજૂરી, વધારાના ખર્ચ (વન-ડે, ડબલ્યુપીએલ, સ્ટેડિયમ, પાણી ચાર્જ, કાનૂની અને પ્રોફેશનલ ફી), કાનૂની ખર્ચ, મૂડી ખર્ચ, એફડીના ઉપયોગ અને કોટંબી સ્ટેડિયમના ખર્ચ સહિતના મુદ્દાઓ હતા.
રોયલ સત્યમેવ જયતે ગ્રુપ તરફ થી પ્રમુખ પદના ઉમેદવારે આ બેઠકને હાઈકોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન સમાન ગણાવી કન્ટેમ્પ્ટ ઓફ કોટ બાબતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું છે.


