Gujarat

અમદાવાદના બાવળામાં 4 વર્ષના ગુમ બાળકની મોડી રાતે લાશ મળી, સમગ્ર પંથકમાં ચકચાર

By GS TEAM
5 Feb 20262 mins read
TukuTouch Logo
બાવળાના ધનવાડા ગામે 4 વર્ષના માસૂમનું કરુણ મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. રમતા-રમતા ગુમ થયેલા ધાર્મિકનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો. સાયકલ તળાવ કિનારે મળતા ઉભી થયેલી આશંકા સાચી પડી. આખી રાતના સર્ચ ઓપરેશન બાદ મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યો છે

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના બાવળામાં 4 વર્ષના ગુમ બાળકની મોડી રાતે લાશ મળી, સમગ્ર પંથકમાં ચકચાર

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ધનવાડા ગામેથી રહસ્યમય રીતે ગુમ થયેલા 4 વર્ષના માસૂમ બાળક ધાર્મિક રાહુલભાઈ વાટુકિયાનો મૃતદેહ મળી આવ્યો છે. સાયકલ લઈને રમવા નીકળેલો ધાર્મિક ઘર પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે પણ વિવિધ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

કેવી રીતે શરૂ થઈ શોધખોળ?

બપોરના સમયે ધાર્મિક પોતાની નાનકડી સાયકલ લઈને ઘરની બહાર રમવા નીકળ્યો હતો. કલાકો વીતી જવા છતાં જ્યારે તે ઘરે પરત ન ફર્યો ત્યારે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગામના તળાવ કિનારેથી ધાર્મિકની સાયકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી. સાયકલ અહીં મળતા જ પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા અને બાળક તળાવના પાણીમાં ગરકાવ થયો હોવાની આશંકા પ્રબળ બની હતી.

અપહરણ કે અકસ્માત?

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એક તરફ ચર્ચા એવી પણ હતી કે, કોઈ અજાણ્યો બાઈક સવાર બાળકને ઉઠાવી ગયો હોઈ શકે છે. જેના કારણે પોલીસે અપહરણના પાસા પર પણ તપાસ શરૂ કરી હતી. બીજી તરફ, સાયકલ તળાવ કિનારે હોવાથી અકસ્માતે બાળક તળાવમાં પડ્યું હોવાની શક્યતા વધુ દેખાતી હતી. સત્ય જાણવા માટે અમદાવાદ અને ધોળકા ફાયર વિભાગની ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.

ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ

ફાયર વિભાગના જવાનોએ આખી રાત તળાવમાં બોટ અને આધુનિક સાધનોની મદદથી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આખું ગામ અને પરિવાર બાળક હેમખેમ મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ વિધિના લેખ કંઈક અલગ જ હતા. મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમને ધાર્મિકનો મૃતદેહ તળાવના ઊંડા પાણીમાંથી મળી આવ્યો હતો.

પરિવાર પર આભ ફાટી પડ્યું

એકનો એક લાડકવાયો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો તે જાણીને પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.