વડોદરાઃ સયાજી હોસ્પિટલને સંલગ્ન વડોદરા મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.અમોલ ભાવે સામે કેટલીક વિદ્યાર્થિનીઓએ વાયવા પરીક્ષા દરમિયાન જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ મામલામાં કોલેજની એન્ટી હેરેસમેન્ટ કમિટિએ પોતાની તપાસ પૂરી કરીને કોલેજના સત્તાધીશોને અહેવાલ સુપરત કર્યો છે.
કમિટિએ વાઈસ ડીન પદેથી ડો.ભાવેને દૂર કરવાની તેમજ બે વર્ષ સુધી તેમને કોઈ પણ પ્રકારની પરીક્ષાની કામગીરી નહીં સોપવાની ભલામણ કરી છે.સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી કોઈ પણ પ્રવૃત્તિથી ડો.ભાવેએ દૂર રહેવું પડશે.
કમિટિએ ડો.ભાવેને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કે સહ કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનું અણછાજતું વર્તન નહીં કરવાની તથા સુમેળભર્યો માહોલ રહે તે પ્રકારનું વર્તન કરવા માટે તાકીદ કરી છે.સાથે સાથે આ ઘટનાની નોંધ તેમની સર્વિસબૂકમાં પણ કરવામાં આવે તેવું કમિટિએ સૂચન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડો.ભાવે સામે વાયવા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓનો હાથ પકડીને ક્રીમ કેવી રીતે લગાવવું તે દર્શાવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.જેના પગલે ભારે હોબાળો થયો હતો.


