Gujarat

ક્રિપ્ટો કરન્સી સસ્તાંમાં લેવા જતાં બેંકના ડેપ્યુટી મેનેજરે 44.50 લાખ ગુમાવ્યા

By GS TEAM
28 Mar 20262 mins read
ક્રિપ્ટો કરન્સી સસ્તાંમાં લેવા જતાં બેંકના ડેપ્યુટી મેનેજરે 44.50 લાખ ગુમાવ્યા

જામનગરમાં મિત્ર થકી સંપર્કમાં આવેલા શખ્સે છેતરપિંડી કરી

ખોટી ઓળખ આપનાર શખ્સે પહેલાં 100 જેટલા ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી વિશ્વાસ કેળવ્યો અને પછી રોકડ રકમ લઇ ફરાર

જામનગર: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા ખાનગી બેંકના ડેપ્યુટી મેનેજરને તેના મિત્ર થકી સંપર્કમાં આવેલા શખ્સે માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને છેતરપિંડી કરતા રૂા. ૪૪.૫૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને એક ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા તેજસભાઇ પ્રવીણભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેમને ગોલ્ડ લોનના કામ દરમ્યાન નવાજ સુમરીયા સાથે મિત્રતા કેળવાઈ હતી. નવાજે  તેજસભાઇને તુષારભાઈ શાહ નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. એ શખ્સે બ્રાસના વેપારના બહાને માર્કેટ કરતાં ઓછા ભાવે યુએસડીટી આપવાની ઓફર કરી હતી અને શરૂઆતમાં ૧૦૦ જેટલા ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરીને વિશ્વાસ ઉભો કરવામાં આવ્યો હતો. તેથી તેની સાથે મીટિંગ ગોઠવાઇ હતી. દરમિયાન આરોપીએ પોતાના વોલેટમાં લાખો યુએસડીટી હોવાનો સ્ક્રીનશોટ બતાવ્યો હતો અને ૮૯ રૂપિયા પ્રતિ એસડીટીના રેટ પર ૫૦૦૦૦ યુએસડીટી આપવાની વાત કરતા ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતાં.

નક્કી થયા મુજબ ખંભાળિયા બાસપાસ નજીક ફરિયાદીએ આરોપીને ૪૪.૫૦ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ તેનો ફોન પર સંપર્ક કર્યો હતો પરંતુ આરોપીએ સર્વર ડાઉન જેવા બહાના આપ્યા. બાદમાં ૫૦,૦૦૦ યુએસડીટી ટ્રાન્સફર થયાનો નકલી સ્ક્રીનશોટ મોકલી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બાદમાં તપાસ દરમ્યાન તુષારભાઇ શાહ તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ આનંદ લીલાભાઈ મોઢવાડિયા હોવાનુ સામે આવ્યું હતું. આરોપીએ પૂર્વઆયોજિત કાવતરું રચી ખોટી ઓળખ દ્વારા છેતરપિંડી કરી હોવાનું ખુલતા આખરે આ મામલે તેજસભાઈ પટેલ દ્વારા જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં આનંદ લીલાભાઈ મોઢવાડિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.