Gujarat

વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનું મોત

By GS TEAM
15 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ગુનેગારો બેફામ થઈ ગયા છે. નજીવી વાતમાં મારામારી કરવી, છરી, ચપ્પા ધોકા વડે હુમલો કરવો, કોઈને મોતને ઘાટ ઉતારી દેવા જેવી અનેક ઘટનાઓ રાજ્યમાં બની છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ બનાસકાંઠા જિલ્લાના બુરેઠા ગામે બન્યો છે. જેમાં હેવાન બનેલો જમાઈ સાસુને પતાવી ફરાર થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો,  દાદી સાસુનું મોત

Vav Tharad  News: ગુજરાતમાં ગુનેગારો બેફામ થઈ ગયા છે. નજીવી વાતમાં મારામારી કરવી, છરી, ચપ્પા ધોકા વડે હુમલો કરવો, કોઈને મોતને ઘાટ ઉતારી દેવા જેવી અનેક ઘટનાઓ રાજ્યમાં બની છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ વાવ-થરાદ જિલ્લાના બુરેઠા ગામે બન્યો છે. જેમાં હેવાન બનેલો જમાઈ સાસુને પતાવી ફરાર થઈ ગયો છે. 

સાસુ-સસરા પર કર્યો જીવલેણ હુમલો

વાવ થરાદમાં ભાભરના બુરેઠા ગામે ચકચારી હત્યાનો બનાવ બન્યો છે. પતિ-પત્ની વચ્ચે દારૂ ઢીંચવા તેમજ અન્ય અંગત કારણોસર ઝઘડો ચાલતો હતો. જે બાદ પત્ની પિયર રહેવા આવી ગઈ હતી. બે વખત સસરા ઘરે આ બાબતે રકઝક કર્યા પછી કોઈ નિવેડો ન આવતા ગુસ્સે ભરાયેલા પતિના માથે પત્નીના પરિવારને શબક શીખવાડવાનું ભૂત ચડ્યું હતું. આરોપ મુજબ જમાઈ દારૂનો નશો કરી ઘટનાની રાત્રે બુરેઠા ગામ આવ્યો હતો. તેની સાથે ચાર પાંચ લોકો પણ હતા. જમાઈએ સાસરિયાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાદમાં મામલો વણસતા મારામારી સુધી પહોંચ્યો હતો. 

ટામીનો ફટકો મારતા સાસુનો જીવ ગયો

અડધી રાત્રે થયેલી આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ હતી કે જમાઈ હાથમાં જે આવ્યું તે લઈને સાસરિયાં પક્ષ પર હુમલો કરી રહ્યો હતો. બાદમાં ટામી (લોખંડનો સળિયો) લઈને સાસુ પર ચડી બેઠો હતો અને માથા પર એક ફટકો મારી દાદી સાસુ જીજીબેનનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં તેની પત્ની અને સસરાને પણ ઢોર માર મારી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી ગુનેગાર જમાઈ અને તેના સાગરીતોને પકડવા ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

'દારૂ પી અને જમાઈ ધમાલ કરતો'

મૃતકના પુત્રએ કહ્યું કે 'દારૂ પી અને જમાઈ ધમાલ કરતો હતો એટલે અમે દીકરીને ઘરે તેડી લાવ્યા હતા. જેથી ઝઘડા માટે તે પાંચ થી છ લોકોને રાત્રે લઈને આવ્યો હતો. મેં કહ્યું હતું કે તારી દીકરીનું તને આપી દઇશ પણ પાંચ મોટા આગેવાનોને લઈને આવ, પણ ન માનતા ઝપાઝપી થઈ હતી. મારી માતાને માથાને ભાગે ટામી ઝીંકી હતી અને મારા પત્નીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.'

આ પણ વાંચો: 'ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓ વિભાજિત હોવાથી ઘટી', નીતિન પટેલનું ધર્માંતરણ મુદ્દે નિવેદન

ગામના સ્થાનિક આગેવાનોએ કહેવું છે કે 'રાત્રે દસ વાગ્યે મુકેશ નામનો યુવક અને તેમના જમાઈ જે સાબલાના રહેવાશી છે તે ચાર પાંચ લોકોને લઈને આવ્યા હતા. હુમલામાં ટામી (લોખંડનો સળિયો) વાગતા સાસુ જીજીબેનનું મોત થયું છે. જમાઈ સાથે કોઈ અંગત બાબતે ડખો ચાલતો હતો.'