Get The App

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે 1 - image

વડોદરાઃ ડાયાબિટીસ એવી બીમારી છે જેની ઉપેક્ષા કરવામાં આવે તો લાંબા ગાળે વ્યક્તિને ભારે નુકસાન પહોંચાડી શકે છે.ડાયાબિટીસ માત્ર શરીર પર જ નહીં ખિસ્સા પર પણ ભારે પડે છે.કારણકે ડાયાબિટીસને કાબૂમાં રાખવા નિયમિત રીતે દવા કે ઈન્જેક્શન લેવા પડતા હોય છે.

ડાયાબિટીસને લઈને એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગની એમએસસીની વિદ્યાર્થિની આયુષી જાનીએ વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.સ્વાતિ ધુ્રવના માર્ગદર્શન હેઠળ કરેલા એક અભ્યાસમાં આર્થિક પાસા અંગે પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.શહેરમાં ડાયાબિટીસના ૨૩૬ દર્દીઓ પર કરેલા સર્વેમાં એવું ધ્યાન ખેંચનારુ તારણ નીકળ્યું છે કે, દરેક દર્દી વર્ષે સરેરાશ ૪૭૫૦૦ રુપિયા ડાયાબિટીસના કારણે ખર્ચવા પડે છે.જેમાં દવાઓ પાછળ થતો સરેરાશ વાર્ષિક ખર્ચ ૨૦૦૦૦ રુપિયા જેટલો છે.

સંશોધકોનું કહેવું છે કે, ભારતને તો એમ પણ ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે.ગુજરાત સહિત બીજા રાજ્યોમાં કરોડો લોકો ડાયાબિટીસ સામે ઝઝૂમી રહ્યા છે.જો આ સર્વેમાં સામે આવેલા સરેરાશ ખર્ચને પણ ધ્યાનમાં રખાય તો ડાયાબિટીસના કારણે ભારતીયોના ખિસ્સામાંથી જતી રકમનો સરવાળો આંખો પહોંળી કરી નાંખે તેટલો થઈ શકે છે.


સ્વાસ્થ્યની સંભાળ પાછળ થતા ખર્ચમાં વધારો કરતા બીજા પરિબળો

--જો હોસ્પિટલમાં દાખલ થવું પડે તો વાર્ષિક ખર્ચમાં ૨૮૦૦૦ રુપિયાનો વધારો થાય છે

--ડાયાબિટીસના કારણે બીજી શારીરિક સમસ્યા સર્જાય તો વાર્ષિક ખર્ચ ૧૫૯૩૭ રુપિયા વધી જાય છે

--ડાયાબિટીસ ચાર થી સાત વર્ષથી હોય તો વાર્ષિક ખર્ચમાં ૧૩૦૦૦ રુપિયા સુધીનો વધારો થઈ શકે છે

--સાત વર્ષથી વધારે સમયથી ડાયાબિટીસ હોય તેવા દર્દીઓના વાર્ષિક ખર્ચમાં આ સમયગાળામાં ૨૩૦૦૦ રુપિયા સુધીનો વધારો 

--મોઢા વાટે લેવાની દવાઓ સાથે ઈન્સ્યુલિન લેવાનો વારો આવે તો વાર્ષિક ખર્ચમાં અધધ..૭૯૨૫૬ રુપિયા સુધીનો વધારો

--જેનેરિક દવાઓનો ઉપયોગ વાર્ષિક ખર્ચમાં ૩૪૯૧૪ રુપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે

દર્દીઓની ખાન-પાનની આદતો 

--સૌથી વધારે ૩૨ ટકા દર્દીઓના ઘરમાં સીંગતેલનો ઉપયોગ

--દર ૧૦ થી ૧૫ દિવસે એક વખત ભજીયા અથવા બટાકા ખાય છે

--રોજ અથવા સપ્તાહમાં એક વખત સેવ મમરાનો નાસ્તો

--બિસ્કિટ અથવા કૂકીઝ ઘણી વખત ખાય છે

--આહારમાં ફ્રુટ, લીલા શાકભાજી, કઠોળ અને બદામ જેવા નટ્સનું ઓછું પ્રમાણ

--૮૩ ટકા દર્દીઓ રોજ ચા પીએ છે

--સર્વેમાં સામેલ ૯૮ ટકા દર્દીઓ માટે ખાવા-પીવાની અછત નહીં છતા માત્ર ૪૭ ટકા દર્દીઓના ભોજનમાં વૈવિધ્ય

--કેલ્શ્યિમ, આયર્ન, ઝિંક,  મેગ્નેશિયમ જેવા તત્વોનું ભોજનમાં ઓછું પ્રમાણ

દર્દીઓ  અને ડાયાબિટીસનું મેનેજમેન્ટ 

--૪૦ ટકાને સાત વર્ષ કે તેથી વધારે સમયથી ડાયાબિટીસ

--૯૧ ટકા ટેબલેટ લે છે

--૭ ટકા જ ટેબલેટની સાથે ઈન્સ્યુલિન લે છે

--માત્ર ૨૩ ટકા જેનેરિક દવાઓ લે છે

--૨૨ ટકા ગ્લુકોમીટરથી મોનિટર કરે છે

--માત્ર ૨૫ ટકા દર વર્ષે બોડી ચેક અપ કરાવે છે

--૨૨ ટકાએ આગળના વર્ષમાં આંખના ડોકટરને બતાવ્યું હતું

--૬૭ ટકાને ડાયાબીટિસના કારણે બીજી પણ શારીરિક સમસ્યા

--૪૧ ટકા દર્દીઓ શારીરિક રીતે ઓછા સક્રિય

ડાયાબિટીસના દર્દીનો વાર્ષિક ખર્ચ

દવાઓ ૨૦૩૬૧

ફિઝિયો કે રિહેબિલેશન ૨૫૭૧

હોસ્પિટલાઈઝેશન ૧૨૯૯

ડાયાબિટીસ સ્ક્રિનિંગ ૧૨૪૪

લેબોરેટરી તપાસ ૮૩૧

આંખની તપાસ ૧૮૬

સર્વેમાં સામેલ દર્દીઓનુ બેકગ્રાઉન્ડ

--સર્વેમાં સામેલ દર્દીઓની સરેરાશ વય ૫૯.૬ વર્ષ

--૪૪ ટકા દર્દીઓ ઉચ્ચ મધ્યમવર્ગના અને ૩૦ ટકા નિમ્ન મધ્યમવર્ગના 

--૬૪ ટકાના દાદા દાદીને ડાયાબિટીસ હતો

--૫૨ ટકાના માતૃપક્ષે ડાયાબિટીસના દર્દીઓ હતા

--૪૬ ટકાના ભાઈ અથવા બહેનને ડાયાબિટીસ

--૬૦ ટકા દર્દીઓ બીએમઆઈના ધારાધોરણ પ્રમાણે સ્થૂળ

--માત્ર ૧૭ ટકાનો બીએમઆઈ નોર્મલ

--૩૫ ટકા પુરુષોની કમરનો ઘેરાવો ૯૦ સેન્ટિમીટર અને ૫૧ ટકા મહિલાઓની કમરનો ઘેરાવો ૮૫ સેન્ટિમીટરથી વધારે

--માત્ર ૬ ટકાનું બ્લડપ્રેશર નોર્મલ

--૩૦ ટકા હાઈપરટેન્શન પહેલાના તબક્કામાં અને ૪૧ ટકાને સ્ટેજ વન હાઈપરટેન્શન