સાવધાન! વોટ્સએપ પર ટાસ્ક પૂરા કરવાના નામે અમદાવાદમાં મોટી છેતરપિંડી, પહેલા 200 રૂપિયા આપ્યા, બાદમાં લાખો પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flipkart Task Scam, Ahmedabad News: વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ટાસ્ક પૂરા કરીને ઘરે બેઠા હજારો રૂપિયા કમાવવાની લાલચ આપતી સાયબર ગુનેગારોની ટોળકીએ શહેરમાં વધુ એક મહિલાને પોતાનો શિકાર બનાવી છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા નજીક રહેતી અને જાણીતી ફાર્મા કંપનીમાં ફરજ બજાવતી મહિલાને ફ્લિપકાર્ટના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી વ્હોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા રૂ.2.59 લાખનો ચૂનો લગાડવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જાણ બહાર વોટ્સએપ ગ્રૂપમાં એડ કરાઈ
પોલીસ ફરિયાદ અનુસાર, ગુલબાઈ ટેકરા પાસે આવેલી પ્રયાસ સોસાયટીમાં રહેતી અને બકરોલ ખાતે કેડિલા ફાર્મામાં નોકરી કરતી યુવતી સાથે છેતરપિંડી થઈ છે. ગત 23 એપ્રિલના રોજ યુવતીની જાણ બહાર કોઈએ તેને એક વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી હતી. આ ગ્રૂપમાં ફ્લિપકાર્ટની વિવિધ પ્રોડક્ટ્સના સ્ક્રીનશોટ પાડીને મોકલવાના બદલામાં મોટું કમિશન આપવાની લોભામણી સ્કીમો દર્શાવવામાં આવી હતી.
ઓફિશિયલ HR તરીકે ઓળખ આપી જાળ બિછાવી
યુવતીએ ગ્રૂપમાં શેર કરાયેલી એક લિંક પર ક્લિક કરતાં તે 'Emaa Brokes' નામના વોટ્સએપ એકાઉન્ટ પર રીડાયરેક્ટ થઈ હતી, જ્યાં ઓપરેટરે પોતે ઓફિશિયલ હ્યુમન રિસોર્સ(HR) હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેને ટેલિગ્રામ પર 'ઇશિતા શર્મા' નામના એકાઉન્ટ સાથે વાત કરવા જણાવાયું હતું. જ્યારે 'ફ્લિપકાર્ટ ઇન્સ્ટ્રક્ટર રમેશ' નામનું બીજું એકાઉન્ટ આ ટાસ્કનું સુપરવિઝન કરતું હતું.
રૂ.200નું કમિશન આપી વિશ્વાસ જીત્યો
શરૂઆતમાં યુવતીને માત્ર પ્રોડક્ટની લિંક ઓપન કરી, સ્ક્રીનશોટ પાડીને મોકલવાના સરળ ટાસ્ક આપવામાં આવ્યા હતા. આ ટાસ્ક પૂરા થતાં જ તેના ICICI બેંક એકાઉન્ટમાં રૂ.200નું કમિશન જમા થયું હતું. આથી યુવતીને આ સ્કીમ સાચી હોવાનો વિશ્વાસ બેસી ગયો હતો. બીજા દિવસે તેને વધુ કમાણી માટે રૂ. 1000નું રોકાણ કરવા જણાવાયું હતું, જેના બદલામાં તેને કમિશન સાથે રૂ. 1350 પરત મળ્યા હતા.
'પ્રીમિયમ ટાસ્ક'ના નામે રૂ.2.59 લાખ પડાવ્યા
આ પછી, લાલચ વધતાં જ ભેજાબાજોએ અસલી ખેલ શરૂ કર્યો હતો. તેમણે યુવતીને મોટા 'પ્રીમિયમ ટાસ્ક' માં ભાગ લેવા અને વધુ રિટર્ન મેળવવા માટે મોટી રકમ રોકવા દબાણ કર્યું હતું. સાયબર ઠગોની વાતોમાં આવીને પ્રિયલે અલગ-અલગ બેંક એકાઉન્ટ અને UPI ID પર કટકે-કટકે કુલ રૂ.2.59 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.
જ્યારે યુવતીએ પોતાના કમિશન અને રોકેલી રકમ મેળવવા માટે વિથડ્રોઅલનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ ટેકનિકલ કારણો આગળ ધરીને વધુ નાણાં ડિપોઝિટ કરવા જણાવ્યું હતું. વારંવાર નાણાં ચૂકવવા છતાં પણ એક પણ રૂપિયો પરત ન મળતાં યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આખરે તેણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા વોટ્સએપ અને ટેલિગ્રામ ઓપરેટરો સામે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની છેતરપિંડી, ઓળખ બદલવી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી(IT) એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. હાલ પોલીસ ગુનામાં વપરાયેલા મોબાઈલ નંબરો, બેંક એકાઉન્ટ્સ અને UPI IDની આકરી તપાસ ચલાવી રહી છે.









