Gujarat

યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો

By GS TEAM
9 Nov 20252 mins read
યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો

યુવતીના પ્રેમલગ્નની વાતો કરવાના પગલે રૃપાલ ગામે

ભાગીને લગ્ન કરી લેનાર શખ્સના બનેવી અને તેનો ભાઇ છરીલોખંડના પાઇપ અને ધોકા લઇ ફરી વળ્યાની ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર તાલુકાના રૃપાલ ગામે કુટુંબીની દિકરીના પ્રેમલગ્નની વાતો કરવાના પગલે યુવકના ખુનનો પ્રયાસ કરવાની સાથે તેની બહેન, પિતા અને દાદા પર પણ હુમલો કરવામાં આવ્યાના બનાવે ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આ બનાવના સંબંધે ભાગીને લગ્ન કરી લેનાર શખ્સના બનેવી અને તેનો ભાઇ છરી, લોખંડના પાઇપ અને ધોકા લઇ ફરી વળ્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ શરૃ કરી હતી.

રૃપાલ ગામે રહેતા અને મજુરી કામ કરતા ૬૦ વષય અમરતભાઇ ફુલાભાઇ રાવળે આ બનાવને લઇ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામના જ રહેવાસી જયેશ ચંદુભઆઇ રાવળ અને વિપુલ ચંદુભઆઇ રવાળને દર્શાવવામાં આવ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી જયેશ અને વિપુલ ફરિયાદીના કુટુંબી ભત્રીજા થાય છે. ગત રોજ ફરિયાદી ગામમાં જ રહેતા તેના પુત્ર અરવિંદના હતાં. ત્યારે એક યુવતી આરોપી જયેશના સાળા સાથે ભાગી ગયાની વાતો કરી રહ્યા હતાં. દરમિયાન આરોપીઓ બાઇક લઇને આવ્યા હતાં અને  પ્રેમલગ્ન બાબતે કેમ ચર્ચા કરો છો. તેમ કહીને ગાળો બોલવા લાગતાં ફરિયાદીએ અમારે તમારી સાથે કોઇ લેવા દેવા નથી તેમ જણાવ્યું ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો કરી દીધો હતો.

 ફરિયાદી તથા તેના દિકરાને માર મારવા લાગતાં બુમરાણ મચવાના પગલે અરવિંદભાઇની દિકરી જ્યોત્સના બચાવવા આવતાં તેને પણ ધોકો મારી દીધો હતો. દરમિયાન અરવિંદભાઇનો ૨૦ વર્ષિય પુત્ર રોહિતે આવીને છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જયેશ રાવળે છરી કાઢીને તેને પેટમાં હુલાવી દીધી હતી.

દરમિયાન પાડોશીઓ આવી જતાં આરોપીઓ ખુન કરી નાંખવાની ધમકી દઇને નાસી છુટયા હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રોહિતને સારવારાર્થે સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે ખુનનો પ્રયાસ સહિતના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.