લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજન અગ્રણી સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન અને ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. અને મુંબઈ રહેતા મૂળ નવાગામના એક મહાજન અગ્રણી સામે એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તા.23/04/2026ના રોજ બપોરે આશરે 2:00 વાગ્યાના સમયે નવાગામ મેઇન બજારમાં એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી તેને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો હતો.
ફરિયાદી લાલપુરના નવાગામના સરપંચ હરીશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (ઉ.વ.27, રહે. નવાગામ, તા. લાલપુર) પોતાની કાર લઈને બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી કિશોરભાઈ રાયસીભાઈ ગોસરાણી ત્યાં આવી બોલાચાલી શરૂ કરી હતી. અગાઉની દુશ્મનાવટને કારણે આરોપીએ ઉશ્કેરાઈ જઈ જાહેરમાં ફરિયાદીને ગાળો આપી અને જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો વાપરી હડધુત કર્યા હતા. તમે અગાઉ મારા વિરોધમાં અરજી કરી હતી, તેમાં 'તમે શું ઉખેડી લીધૂં, તેમ કહી ધમકી ઉચ્ચારી હતી, તેમજ આગળ પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 352, 351(2) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ), 3(2)(5એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસમાં જાહેર થયા અનુસાર અગાઉ ફરિયાદીએ આરોપી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખોટા ન્યુઝ અને આક્ષેપ સબંધમાં ઝઘડો થયો હતો, અને જે તે વખતે સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેના મનદુઃખના કારણે ગઈકાલે ફરીથી ધમકી આપી હડધૂત કરાયાનું સામે આવ્યું છે.








