Gujarat

મહેસાણા રેલવે જંક્શન ખાતે બે રેલ કર્મચારી 1500ની લાંચ લેતાં ઝડપાયાં

By GS Team
30 Nov 20212 mins read
This article was originally published on 30 Nov 2021
મહેસાણા રેલવે જંક્શન ખાતે બે રેલ કર્મચારી 1500ની લાંચ લેતાં ઝડપાયાં

મહેસાણા, તા.30

અમદાવાદથી રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં જતી ટ્રેેનોમાં મુસાફરોને ટિકિટ નહીં લેનાર મુસાફરો સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરી લાંચની માગણી કરી રકમ સ્વીકારતાં હોવાની વ્યાપક ફરિયાદના પગલે ગાંધીનગર એસીબી દ્વારા ખાનગી રાહે લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે ડીકોય છટકામાં એસીબી ટીમે ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તથા આસી.હેલ્પરને રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ડીકોયર તથા અન્ય બે પેસેન્જર પાસેથી  મહેસાણાથી પાલનપુર સુધીની ટીકીટ નહીં લેવા બદલ કાયદેસરની કાર્યવાહી નહીં કરી પેસેન્જર દીઠ રૃ.૫૦૦ લેખે ત્રણેય પાસેથી રૃ.૧૫૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપી લીધાં હતા.

અમદાવાદથી વિવિધ જિલ્લાઓ અને પરપ્રાંતમાં જતી ટ્રેનોમાં ટિકિટ નહીં લઈ મુસાફરી કરનાર પેસેન્જર્સની સામે  કાયદેસરની કાર્યવાહી નહીં કરી લાંચની રકમ સ્વીકારવામાં આવતી હોવાની હકીકતના આધારે ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યૂરોના એસ.ડી.ચૌધરી તથા સ્ટાફે ગઈકાલે હકીકતની ચકાસણી કરવા માટે લાંચના ડીકોય છટકાનું આયોજન કર્યું હતુ. જેમાં  મહેસાણા રેલવે જંક્શન ખાતે એસીબીને સહકાર આપનાર ડીકોયર તથા અન્ય બે મુસાફરને રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મહેસાણાથી પાલનપુર જવાની ટિકિટ નહીં લેવા બદલ ત્રણેને ટિકિટ નહીં આપી અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરી એક પેસેન્જરના રૃ.૫૦૦ લેખે ત્રણેય મુસાફરના રૃ.૧૫૦૦ની માગણી કરી એકબીજાના મેળાપીપણાથી લાંચની રકમ સ્વીકારવાના ગુનામાં ગાંધીનગર, એસીબી ટીમે  કમલેશ રાધેશ્યામ શર્મા (ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર, વેસ્ટર્ન રેલવે ઝોન, અમદાવાદ ડિવિઝન, ભારતીય રેલવે,ભારત સરકાર) તથા રૃપેશગીરી મનોહરગીરી ગોસ્વામી (આસી.હેલ્પર, ઈલેક્ટ્રીશિયન, રાજધાની એક્સપ્રેસ વેસ્ટર્ન રેલવે ઝોન, અમદાવાદ ડિવિઝન)ને લાંચની રૃ.૧૫૦૦ની રકમ સ્વીકારતાં રંગેહાથ દબોચી લીધાં હતા. એસીબી ટીમે બન્ને આરોપીના કબજામાંથી લાંચની રકમ રૃ.૧૫૦૦ રિકવર કરી ગાંધીનગર, એસીબી પોલીસ સ્ટેશનમાં ટ્રેપ કરનાર અધિકારી એસ.ડી.ચૌધરીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેના પગલે રેલ તંત્રના અધિકારીઓ, કર્મચારીઓમાં ચકચાર મચી ગઈ હતી.