Gujarat

અમિતનગર પાસે મુસાફરોની હેરાફેરી જારી, પોલીસે કાર ડીટેન કરતાં કાર માલિકનો ડ્રાઇવર પર હુમલો

By GS TEAM
11 Nov 20251 min read
અમિતનગર પાસે મુસાફરોની હેરાફેરી જારી, પોલીસે કાર ડીટેન કરતાં કાર માલિકનો ડ્રાઇવર પર હુમલો

વડોદરાઃ અમિતનગર સર્કલ પાસે મુસાફરોને લઇ જતી કાર પોલીસે ડીટેન કરતાં રોષે ભરાયેલા માલિકે ડ્રાઇવર પર હુમલો કર્યો હતો.

અમિતનગર સર્કલ  પાસે ગેરકાયદે મુસાફરોની હેરાફેરીને કારણે અકસ્માતના બનાવો બનતા હોવાથી પોલીસ દ્વારા અવાર નવાર વાહનો ડીટેન કરવામાં આવતા હોય છે.આમ છતાં થોડાસમય પછી ફરીથી ખાનગી વાહનચાલકો ગેરકાયદે મુસાફરોની હેરાફેરી શરૃ કરી દેતા હોય છે.

ઉપરોક્ત બાબતને સમર્થન આપતો કિસ્સો હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.જેમાં ખોડિયારનગર પાસે લક્ષ્મણનગરમાં રહેતા ડ્રાઇવર અલ્પેશ પરમારે કહ્યું છે કે,અમારા વિસ્તારના ચામુંડા નગરમાં રહેતા કિશન ભવાનભાઇ ભરવાડની કારમાં મુસાફરો ભરીને હું અમદાવાદ ગયો હતો. ગઇકાલે બપોરે પરત ફર્યો હતો અને બીજા મુસાફરો ભરવાના હોવાથી મેં કિશનભાઇને અમિતનગર  બોલાવ્યા હતા.પરંતુ તેઓ આવ્યા નહતા.જે દરમિયાન પોલીસે કાર ડીટેન કરી હતી.

આ વખતે કિશનભાઇને જાણ કરતાં તેમણે મને ગાળો દીધી હતી અને ત્યારબાદ અમિત નગર આવી મને માર મારી સળિયા વડે પગ પર હુમલો કર્યો હતો.જેથી પોલીસે કિશન ભરવાડ સામે ગુનો નોંધ્યો છે.