Gujarat

નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કરોનો હલ્લાબોલ, ત્રણ મહિનાથી મહેનતાણું નથી મળ્યું

By GS TEAM
8 Jun 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકઠી થઈ હતી અને પોતાના ઇન્સેન્ટિવ (મહેનતાણું) તથા પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 3 મહિનાથી મહેનતાણું ન મળતાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આશા બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કરોનો હલ્લાબોલ, ત્રણ મહિનાથી મહેનતાણું નથી મળ્યું

ASHA Worker Protest In Rajpipla: નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકઠી થઈ હતી અને પોતાના ઇન્સેન્ટિવ (મહેનતાણું) તથા પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 3 મહિનાથી મહેનતાણું ન મળતાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આશા બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપી છે.

આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું!

આશા વર્કર બહેનોએ પોતાનો બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, 'અમને માત્ર બે હજાર રૂપિયા જેવું મામૂલી ઇન્સેન્ટિવ મળે છે. આજના આટલી મોંઘવારીના જમાનામાં બે હજાર રૂપિયામાં તો તેલનો એક ડબ્બો પણ આવતો નથી. તેમાં પણ છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી આ મહેનતાણું ચૂકવાયું નથી, જેને કારણે અમારે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છીએ.' બહેનોએ ફિક્સ પગાર અને પ્રોત્સાહન રકમમાં 50 ટકાનો વધારો સમયસર આપવાની ઉગ્ર માંગ કરી છે.

આરોગ્ય અધિકારીએ સ્વીકારી ભૂલ

નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા મહિલાઓની સારસંભાળથી લઈને સરકારની તમામ મહત્વની આરોગ્યલક્ષી યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડે છે. આ ગંભીર મુદ્દે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે ત્રણ મહિનાથી મહેનતાણું મળ્યું નથી. તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, 'સિસ્ટમમાં ટેકનિકલ ફેરફાર થયો હોવાના કારણે ચૂકવણીમાં વિલંબ થયો છે. હવે પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક સમયમાં જ બધું રેગ્યુલર થઈ જશે.'

આશા બહેનોની આંદોલનની ચીમકી

આશા બહેનોએ આવેદનપત્રમાં પોતાની અનેક હાલાકીઓ વર્ણવતા ગંભીર આક્ષેપો કર્યા છે કે,  તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ફરજ બજાવી હોવા છતાં તેનું એક પણ રૂપિયો ઇન્સેન્ટિવ મળ્યું નથી. અતિ જોખમી સગર્ભા બહેનોની ડિલિવરી કરાવવા બદલ મળવાપાત્ર પ્રોત્સાહન રકમ આજદિન સુધી ચૂકવાઈ નથી. સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવ્યા ન હોવાથી હવે પછી ઓનલાઇન ટ્રેકોમાં કોઈ કામગીરી નહીં થાય, માત્ર ઓફલાઇન કામ જ કરાશે. આશા વર્કસ બહેનોનો પણ 3 મહિનાથી પગાર થયો નથી અને દર શનિવારે મીટિંગમાં ફરજિયાત હાજરી આપવા છતાં કોઈ ભથ્થું મળતું નથી.

આશા વર્કર બહેનોએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમારો તમામ બાકી પગાર અને ઇન્સેન્ટિવ ખાતામાં જમા નહીં થાય, ત્યાં સુધી અમે તમામ પ્રકારની આરોગ્ય લક્ષી કામગીરીઓથી અલિપ્ત રહીશું અને આગામી દિવસોમાં જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડીશું.