Gujarat

વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન

By GS TEAM
15 Feb 20262 mins read
વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન

દહેગામમાં ફરી ગઠિયા ટોળકીએ દેખા દીધી

બાઈક ઉપર આવેલા બે શખ્સો સીસીટીવીમાં કેદ ઃ અગાઉ પકડાયેલી ટોળકીના આધારે પણ પોલીસ તંત્રની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાના સોનાના દાગીના ચોરી જનાર બાઈક ઉપર આવેલા બે ગઠીયાઓની હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે. એટલું જ નહીં અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી છે.

હાલમાં સોના ચાંદીના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે ખાસ કરીને વૃદ્ધોને ટાર્ગેટ બનાવવા માટે વાસણ સાફ કરી આપવાનું કહી વિશ્વાસ કેળવીને ત્યારબાદ સોનાના દાગીના સાફ કરવાના બહાને તેની ચોરી કરી લેતી ગેંગ સક્રિય થઈ છે. દહેગામ શહેરમાં પણ આ ગઠિયાઓ દ્વારા વૃદ્ધાને છેતરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામ શહેરના ખારાકૂવાના ખાચા પાસે આવેલી મોદી ફળીમાં રહેતા ચંદ્રિકાબેન સુરેશભાઈ શાહ તેમના ઘરે હાજર હતા તે સમયે બે શખ્સો બાઈક ઉપર આવ્યા હતા અને તેમણે વાસણ સાફ કરવાનો પાવડર વેચતા હોવાની વાત કરી હતી. જેથી વૃદ્ધાએ આપેલો એક પિત્તળ નો લોટો પણ સાફ કરી આપ્યો હતો. ગઠીયા ઉપર આ વૃદ્ધાને વિશ્વાસ બેઠો હતો અને આ ગઠિયાઓ દ્વારા તેમના સોનાના દાગીના સાફ કરી આપવાની પણ લાલચ આપવામાં આવી હતી. જો કે ચંદ્રિકાબેન તે લાવવા માટે તૈયાર થયા ન હતા અને ત્યારબાદ તેમણે પહેરેલી સોનાની બંગડીઓ સાફ કરી આપવાનું કહીને બંગડીઓ સાફ કરવાનું શરૃ કર્યું હતું. આ દરમિયાન એક ગઠીયો ત્યાંથી બહાર નીકળી ગયો હતો અને બીજો તે પાવડર લઈ ગયો હોવાનું કહીને પણ બહાર જતો રહ્યો હતો થોડા સમય પછી પરત નહીં આવતા વૃદ્ધાને માલુમ પડયું હતું કે તેમની સોનાની બંગડીઓ ચોરાઈ છે. જે ઘટના સંદર્ભે હાલ દહેગામ પોલીસ દ્વારા આ ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.