Gujarat

જામનગરના લાખોટા તળાવમાં શિયાળાના આરંભે વિદેશી પક્ષીઓનું આગમન: પંખીઓને નિહાળવા ઉમટતા લોકોમાં અનેરો આનંદ

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં શિયાળાના આગમન સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. હજારો માઈલનું અંતર કાપીને આ પક્ષીઓ જામનગરના લાખોટા તળાવને પોતાનું શિયાળુ મુકામ બનાવી રહ્યા છે. શહેરીજનો આ રંગબેરંગી પંખીઓને નિહાળવા અને ચણ નાખવા ઉમટી રહ્યા છે. જોકે, પક્ષીઓને ગાંઠિયા જેવા તળેલા ખોરાક ન ખવડાવવા પક્ષીવિદોએ અપીલ કરી છે, જેથી તેમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના લાખોટા તળાવમાં શિયાળાના આરંભે વિદેશી પક્ષીઓનું આગમન: પંખીઓને નિહાળવા ઉમટતા લોકોમાં અનેરો આનંદ

Jamnagar Foreign Birds : જામનગર શહેરમાં શિયાળાની ઋતુના આગમનના પગરવ સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષે હજારો માઈલનું અંતર કાપીને જામનગરને પોતાનું શિયાળુ મુકામ બનાવતાં આ પરદેશી પંખીઓ હવે શહેરનાં તળાવો તરફ પણ આકર્ષાઈ રહ્યાં છે. લાખોટા તળાવના પાછલા ભાગમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. તળાવની પાળે ઊતરેલાં આ રંગબેરંગી પંખીઓને નિહાળવા અને ચણ નાખવા માટે શહેરીજનો પણ ઉમટી રહ્યા છે.

જામનગર અને આસપાસનો વિસ્તાર પક્ષીઓ માટે જાણીતો રહ્યો છે. ખાસ કરીને ખીજડિયા પક્ષી અભયારણ્ય તેમજ રણમલ તળાવ આસપાસ દર વર્ષે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. આ પક્ષીઓ હજારો માઈલની લાંબી ઉડાન ભરીને જામનગરને પોતાનું આશ્રયસ્થાન બનાવે છે. વર્ષોથી ચાલતી આ કુદરતી પરંપરા હવે જામનગરની ઓળખનો એક ભાગ બની ગઈ છે.

jamnagar-lakhota-lake-2.jpg

જામનગર લખોટા તળાવનું મનમોહક વાતાવરણ

હાલમાં શિયાળાની ઠંડીનો વિશેષ અહેસાસ શરૂ થયો નથી, પરંતુ ઠંડીના આગમનના સંકેત સાથે જ પરદેશી મહેમાનોએ જામનગરમાં પડાવ નાખવાનું શરૂ કરી દીધું છે. લાખોટા તળાવના કિનારે અને પાણીના છીછરા ભાગમાં પક્ષીઓના સમૂહ જોવા મળતાં સવાર-સાંજ અહીંનું વાતાવરણ મનમોહક બની રહ્યું છે. તળાવની પાળે ફરવા આવતા લોકો આ પક્ષીઓને નિહાળીને આનંદ અનુભવી રહ્યા છે. ખાસ કરીને બાળકો માટે આ પક્ષીઓનું આગમન કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

પક્ષીઓના સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ જરૂરી

જામનગરના નાગરિકો અને આ પરદેશી મહેમાનો વચ્ચે વર્ષોથી એક આત્મીય સંબંધ બંધાયો છે. લોકો તળાવની પાળે પક્ષીઓને ચણ નાખીને તેમનો સત્કાર કરે છે. જોકે, પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી વખતે તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. પક્ષીવિદો અને જીવદયાપ્રેમીઓ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે પક્ષીઓને ગાંઠિયા કે અન્ય તળેલા અને મસાલેદાર ખાદ્યપદાર્થો ખવડાવવા નહીં. આવા ખોરાકથી પક્ષીઓના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ભૂતકાળમાં અયોગ્ય ખોરાકના કારણે પક્ષીઓનાં મૃત્યુ થયાં હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

આથી, પક્ષીઓને ખોરાક આપવો હોય તો માત્ર પરંપરાગત ચણ જ નાખવું જોઈએ અને તેમના કુદરતી ખોરાક તથા રહેઠાણને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. હજારો માઈલનું અંતર કાપીને આપણા આંગણે આવતા આ અતિથિ પક્ષીઓની સુરક્ષા અને સંભાળ રાખવાની જવાબદારી પણ આપણી જ છે.

આમ, શિયાળાની શરૂઆત પહેલાં જ લાખોટા તળાવમાં વિદેશી પંખીઓના આગમનથી શહેરના કુદરતી સૌંદર્યમાં વધારો થયો છે. જાણે કે 'જૈસે અપને હી દૂસરે ઘર આયે હૈ, પરદેશી પંછી જામનગર આયે હૈ'ની લાગણી સાથે જામનગરવાસીઓ આ વિદેશી મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે.