Gujarat

હાદાનગરમાં આર્મી જવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

By GS TEAM
12 Mar 20261 min read
હાદાનગરમાં આર્મી જવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

વહેલી સવારે પોતાના ઘરે પગલું ભર્યું

ઉત્તરાખંડમાં ફરજ બજાવતો જવાન એક મહિનાની રજા લઈ વતનમાં આવ્યો હતો

ભાવનગર: શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને ભારતીય સેનામાં ઉત્તરાખંડ ખાતે ફરજ બજાવતા જવાને આજે વહેલી સવારે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બનાવ અંગે હોસ્પિટલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના હાદાનગર શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને ઉત્તરાખંડના ચિત્તોડગઢ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા આસિફભાઈ જમાલભાઈ પરમાર (ઉ.વ.૨૭) ગત તા.૨૩-૦૨ના રોજ પોતાની આર્મીની નોકરીમાંથી એક મહિનાની રજા લઈને વતનમાં આવ્યા હતા અને આગામી ૨૬-૩ના રોજ રજા પૂર્ણ કરી પરત ફરજ પર હાજર થવા ઉત્તરાખંડ જવાના હતા. પરંતુ તે પૂર્વે આજે વહેલી સવારે આસિફભાઈએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ પરિવારજનોને થતાં તેમને સારવાર માટે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે ૯.૧૬ કલાકે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સર ટી.હોસ્પિટલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.