વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી અધ્યાપકોની ટર્મ તા.૧૨ જૂનના રોજ પૂરી થઈ રહી છે.બીજી તરફ મોટાભાગની ફેકલ્ટીઓમાં નવા શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ લેવાઈ ગયા હોવા છતા ઉમેદવારોને હજી સુધી એપોઈન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા નથી.
મળતી જાણકારી પ્રમાણે સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીને બાદ કરતા અન્ય ફેકલ્ટીઓમાં ઈન્ટરવ્યૂ બાદ ૬૦૦થી વધારે ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે.જેની ફાઈલો યુનિવર્સિટી સત્તાધીશોને મોકલી દેવામાં આવી છે.જોકે હજી સુધી પસંદ થયેલા ઉમેદવારોને ઓર્ડર અપાયા નથી.
જો તા.૧૨ જૂન સુધીમાં ઓર્ડર નહીં અપાય તો એડમિશનની અને બીજી કામગીરી હંગામી અધ્યાપકો કેવી રીતે કરશે તે એક સવાલ છે.કારણકે આ કામગીરીમાં હંગામી અધ્યાપકોનો મોટો ફાળો હોય છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે હંગામી અધ્યાપકોને તેમની ટર્મ પૂરી થાય તે પહેલા જ એપોઈન્ટમેન્ટ ઓર્ડર મળી ગયા હતા.અત્યારે જે ઉમેદવારોની પસંદગી થઈ છે તેમની સ્ક્રુટિની ચાલી રહી હોવાનો જવાબ સત્તાધીશો આપી રહ્યા છે.


