Gujarat

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

By GS TEAM
12 Apr 20261 min read
બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

વડોદરા : અકોટા વિસ્તારની કરોડોની કિંમતની જમીન હડપવા અને સરકારી પ્રોજેક્ટનું વળતર મેળવવા માટે આચરવામાં આવેલા કૌભાંડમાં સંડોવાયેલા આરોપીએ આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી વિરુદ્ધ ખોટા પેઢીનામા બનાવી કરોડો રૃપિયા હડપવાનો ગંભીર આક્ષેપ છે.

અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પાવર ઓફ એટર્નીનો દુર ઉપયોગ કરી ઇલ્યાસ બાપુ અને અન્ય સહ-આરોપીઓએ જમીન માલિકો સાથે મળીને ખોટા પેઢીનામા ઉભા કર્યા હતા.  આ બનાવટી દસ્તાવેજોના આધારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મળવાપાત્ર રૃા. ૧,૬૬,૬૧,૨૨૧નું વળતર આરોપી જુબેરના ખાતામાં મેળવી લેવાયું હતું, જેમાંથી અન્ય આરોપીઓએ પણ ભાગ મેળવ્યો હતો.  આમ,કુલ રૃા. ૨,૦૦,૭૬,૭૯૮ની માતબર રકમનું કાવતરું રચી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.

આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે આરોપી ઇલ્યાસ બાપુએ આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કેઆ એક ગંભીર પ્રકારનો આથક ગુનો છે જેમાં કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની સખત જરૃર છે અને આરોપીએ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે.અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરતા ચૂકાદામાં નોંધ્યું હતું કે,રેકોર્ડ પરથી આરોપીની ગુનામાં સંડોવણી જણાઈ આવે છે.