image : File photo
Vadodara : વડોદરા શહેર જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ માટે જાણીતું છે, હવે સતત પડી રહેલા ભૂવાઓને કારણે 'ભૂવા નગરી' તરીકે ઓળખાઈ રહ્યું છે. ખાસ કરીને વડોદરામાં કોઈપણ ઋતુમાં રસ્તાઓ પર ભુવા પડવા સામાન્ય બની ગયા છે. શહેરના છેવાડે તાજેતરમાં વોર્ડ નંબર 12 ખાતે સરદાર નગર વિસ્તારમાં વધુ એક મોટો ભૂવો દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ભૂવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, પરિણામે શહેરનું નવું નામ હવે ભૂવા નગરી પડ્યું છે ત્યારે સરદાર નગરમાં પડેલા ભૂવાના કારણે વાહનચાલકો અને રહેવાસીઓ માટે જોખમ ઉભું થાય છે. ખાસ કરીને વરસાદી સીઝનમાં જ નહીં, પરંતુ હવે ગમે તે સિઝનમાં ભૂવા પડવામાં વડોદરાવાસીઓને કોઈ નવાઈ નથી ત્યારે, ઉનાળો કે શિયાળો હોય તો પણ રસ્તાઓ જમીન અયોગ્ય પુરાણ ના કારણે ધસી પડતી જોવા મળે છે. આ પરિસ્થિતિ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ વ્યવસ્થાની નબળાઈ દર્શાવે છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે માર્ગ નિર્માણ અને મરામત કામમાં ગુણવત્તાનો અભાવ છે તેમજ સમયસર દેખરેખ રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. પરિણામે જુદા જુદા વિસ્તારમાં વારંવાર ભૂવા પડતા હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે શહેરની છબી પર પણ અસર પડી રહી છે. હવે જરૂરી છે કે તંત્ર ગંભીરતા દાખવી મજબૂત આયોજન સાથે કામગીરી કરે, જેથી 'ભૂવા નગરી' તરીકે ઉભી થયેલી ઓળખને બદલવામાં સફળતા મળે એવી આશા નગરજનો રાખી રહ્યા છે.


