વરસાદ અંગે વધુ એક ગુડ ન્યૂઝ, ચોમાસાની વિદાય પહેલા ફરી મન મૂકીને વરસશે મેઘરાજા, 21 રાજ્યોમાં ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન હવે ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તે પહેલાં દેશના અનેક વિસ્તારોમાં ફરી એકવાર આકરી બેટિંગ જોવા મળી શકે છે. હવામાન વિભાગ(IMD)ની આગાહી મુજબ, 9થી 11 સપ્ટેમ્બર વચ્ચે દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા સાથે પવન ફૂંકાવાનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 12થી 21 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં વરસાદનો વધુ એક સક્રિય તબક્કો જોવા મળી શકે છે. આ વરસાદથી પાક માટે જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહેશે, જે ખેડૂતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
દિલ્હી, યુપી, બિહાર અને પહાડી રાજ્યોમાં હવામાન બગડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહાડી અને મેદાની રાજ્યોમાં આગામી દિવસોમાં મોસમનો મિજાજ બદલાશે:
દિલ્હી અને ઉત્તર પ્રદેશ: દિલ્હીમાં 11 સપ્ટેમ્બર સુધી 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા, કાનપુર, વારાણસી અને ગોરખપુર સહિતના જિલ્લાઓમાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું ઍલર્ટ છે.
બિહાર અને ઝારખંડ: બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર અને ભોજપુર સહિત 21 જિલ્લાઓમાં 60થી 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડમાં રાંચી અને જમશેદપુર સહિતના વિસ્તારોમાં 10 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ: પહાડી રાજ્યોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન(લેન્ડસ્લાઇડ)નું જોખમ વધી ગયું છે. ઉત્તરાખંડના દહેરાદૂન અને નૈનીતાલ તેમજ હિમાચલના મનાલી અને શિમલામાં તેજ પવન સાથે મુસળધાર વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ઍલર્ટ
રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા અને બિકાનેરમાં 60થી 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈનમાં 50 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને આસામમાં પણ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે. નોંધનીય છે કે ચાલુ મોસમમાં દેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં 14% ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં અલ નીનોની અસર મુખ્ય કારણ માનવામાં આવે છે.




