ગાંધીનગરમાં ગેરકાયદે ચાલતા સ્પા અને મસાજ પાર્લર સામે ફરી તવાઈ

પોલીસ અને તંત્રની કાર્યવાહી છતાં નોંધણી નહીં
સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા કુડાસણ અને રાયસણમાં મંજૂરી વગર ચાલતા બે સ્પાના સંચાલકો સામે ગુનો દાખલ
સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે સ્પા અને મસાજ સેન્ટરો ખુલી
ગયા છે ત્યારે તેમાં દેહ વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ગાંધીનગર જિલ્લામાં
પણ છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી
રહી છે. બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
પણ મસાજ સેન્ટરોના માલિકને નોંધણી કરાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
છે. તેમ છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા રાયસણના
પીડીપીયુ રોડ ખાતે એલેક્સર કોમ્પ્લેક્સમાં કામાં ઇન્ટરનેશનલ સ્પામા તપાસ કરવામાં આવી
હતી પરંતુ અહીં તેને સંચાલક દ્વારા કોઈપણ પ્રકારની નોંધણીના પુરાવા રજૂ કરવામાં આવ્યા
ન હતા જેથી મૂળ રાજકોટના રાજ યોગેશભાઈ પારેખ સામે જાહેરનામાં ભંંગને ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો બીજી બાજુ કુડાસણમાં આવેલા પ્રમુખ ઓર્બીટ મોલમાં ડ્રીમ બોડી મસાજ ખાતે તપાસ
કરવામાં આવી હતી અને અહીં પણ સંચાલક મૌલિક ભરતભાઈ નાઈ દ્વારા નોંધણી નહીં કરવામાં આવી
હોવાનું બહાર આવતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ સ્પાની
સાથે જિલ્લામાં ગેરકાયદેસર રીતે સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ તવાઈ બોલાવવામાં
આવી રહી છે અને હોટલ ગેસ્ટ હાઉસમાં રહેતા મુસાફરોનું પથિક સોફ્ટવેરમાં નોંધણી નહીં
કરનાર હોટલના સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીને
પગલે હાલ તો આવા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.









