Gujarat
ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ
By GS TEAM
16 Dec 20251 min read

- નર્મદા નિગમના અધિકારીઓની મનમાની
- યુધ્ધના ધોરણે ડામર સપાટી કરાવવા લોકમાંગ, ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ચિમકી અપાઈ
ધંધુકા : ધંધુકામાં કેનાલના ડાયવર્ઝન પર નર્મદા નિગમ કચેરીના અધિકારીઓ તેમજ એન્જિનિયરો દ્વારા ડામર સપાટીનું કામ કરાવવામાં ન આવતા વાહનચાલકો અને રાહદારીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.
ધંધુકામાં નર્મદા કેનાલ પર તાજેતરમાં ડાયવર્ઝનનું ઉદઘાટન કરાયુ છે. ત્યાં ડામર રોડ બનાવવાનું તંત્ર ભુલી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ ડાયવર્ઝન પરથી વાહનો પસાર થાય ત્યારે અતિશય ધૂળ ઉડતી હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવુ છે કે સતત ધૂળ ઉડવાથી દ્રશ્યતા ઘટે છે તેમજ શ્વાસ સંબંધિત તકલીફો ઊભી થવાની શક્યતા રહે છે. રહિશો દ્વારા સત્વરે ડાયવર્ઝન પર ડામર રોડ બનાવી ધૂળની સમસ્યાથી કાયમી છુટકારો આપવા માટે સંબંધિત વિભાગમાં માગ ઉઠાવાઈ છે. આથી યુદ્ધના ધોરણે ડામર સપાટી કરાવવા લોકમાંગ ઉઠવા પામી છે. નર્મદા નિગમ આ અંગે ઘટતી કાર્યવાહી નહિ કરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.








