Gujarat

રાજકોટમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે બાળકને કચડી નાંખતાં રોષ ભભૂક્યો

By GS TEAM
12 Sep 20252 mins read
રાજકોટમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે બાળકને કચડી નાંખતાં  રોષ ભભૂક્યો

ઉશ્કેરાયેલા લોકોએ અડધા કલાક સુધી ચક્કાજામ સર્જયા : PI અને પોલીસ સાથે લોકોએ ઝપાઝપી કરી : એકલૌતો પુત્ર ગુમાવનાર પરિવારનું કારમું આક્રંદ

રાજકોટ, : શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતાં ટ્રક અને ડમ્પર સહિતના ભારે વાહનો છાશવારે અકસ્માતો અને પ્રાણઘાતક અકસ્માતો સર્જતા હોવા છતાં ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કેમ કરતી નથી તેવા સવાલ  વચ્ચે મોરબી રોડ જકાતનાકા પાસે આજે સવારે બાઈક પર જતાં પિતા-પુત્રને પુરઝડપે જતાં ડમ્પરે હડફેટે લીધા બાદ પુત્ર ઉપર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર તેનું કમકમાટીભર્યું  મૃત્યુ નિપજયું હતું. આ ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. જેને કારણે અડધા કલાક સુધી રસ્તા પર ચક્કાજામ સર્જી દીધા હતા. આ વખતે પીઆઈ અને અન્ય પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરવાની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો. 

મોરબી રોડ જકાતનાકા પાસે, લાલપરી શેરી નં.9માં શક્તિ સોસાયટી પાછળ રહેતાં  જયસુખ માથાવાડીયા (ઉ.વ. 29)ને સંતાનમાં ત્રણ પુત્રી અને પુત્ર છે. જેમાંથી બીજા નંબરના એકલૌતા પુત્ર જગદિશ (ઉ.વ. 7)ને તાવ-શરદી અને માથું દુઃખતું હોવાથી તેને બાઈકની આગળ બેસાડી મોરબી રોડ પર જકાતનાકા પાસેના આરોગ્ય કેન્દ્રમાં બતાવવા લઈ આવતો હતો ત્યારે મોરબી રોડ જકાતનાકા પાસે પાછળથી પુરઝડપે ધસી આવેલા ડમ્પરે  તેના બાઈકને હડફેટે લેતાં તેમાંથી જગદિશ ફંગોળાયા બાદ તેના કૂમળાં શરીર ઉપરથી ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર પ્રાણ નીકળી ગયા હતા.  આ દ્રશ્યો જોઈ લોકોનો રોષ ભભૂકી ઉઠયો હતો. સ્થળ પર એકત્રિત જગદિશના પરિવારજનો અને રાહદારીઓએ લગભગ અડધો કલાક સુધી ચક્કાજામ સર્જી દેતાં બી-ડિવીઝન પોલીસ દોડી ગઈ હતી. આ વખતે પીઆઈ રાણે અને અન્ય પોલીસ સાથે લોકોને ઝપાઝપી પણ થઈ હતી. આખરે પોલીસે તેમની માગણી મુજબ કડક કાર્યવાહી કરવાની, તત્કાળ ફરિયાદ નોંધવા સહિતની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો.  અકસ્માત  સર્જયા બાદ ચાલક ડમ્પર રેઢું મૂકી ભાગી ગયો હતો. ચાલકને પાછળથી ઝડપી લીધાનો બી-ડિવીઝન પોલીસે દાવો કર્યો હતો. જગદિશના પિતા જયસુખને પણ અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી. તેની ફરિયાદ પરથી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. એકલૌતા પુત્રના મોતથી જયસુખ અને તેના પરિવારના સભ્યો ભાંગી પડયા હતા. તેમના કારમાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.