Gujarat

આણંદના યુવક સાથે ગુગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ

By GS TEAM
1 Jan 20262 mins read
આણંદના યુવક સાથે ગુગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ

ટેલીગ્રામ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ઓપન કરાવી 

ટાસ્ક પૂર્ણ કરવા બદલ બેન્ક એકાઉન્ટમાં ૧,૨૦૩ જમા કરીને વિશ્વાસ કેળવ્યા બાદ નાણાં ખંખેરી લીધા

આણંદ: આણંદના એક યુવકને અજાણ્યા ગઠિયાઓએ ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ઓપન કરાવી ગુગલના રિવ્યુ ટાસ્કના નામે રૂપિયા ૧૧.૪૫ લાખ ઉપરાંતનું રોકાણ કરાવી પૈસા પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે યુઝર આઇડીના આધારે અજાણ્યા ગઠિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આણંદના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ નજીક શ્રીજી સદન બંગ્લોઝ ખાતે રહેતા પાર્થ ગોવિંદ પ્રસાદ શાહ આણંદની એક ફાઇનાન્સ બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં લોન ઓફિસર તરીકે નોકરી કરે છે. આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી કોટક મહિન્દ્રા બેન્કની શાખામાં તેઓ બેન્ક એકાઉન્ટ ધરાવે છે. ગત બીજી સપ્ટેમ્બરના રોજ તેમના મોબાઇલમાં ટેલિગ્રામ એપ્લિકેશનમાં બે અલગ અલગ યુઝર આઈડીથી ગુગલનો રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરવાનો મેસેજ આવ્યો હતો. જેમાં ટાસ્ક પૂરુ કરતાં તમને પૈસા મળશે તેમ જણાવતા પાર્થ શાહ વિશ્વાસમાં આવી ગયા હતા અને યુઝર આઇડી મોકલી આપતા અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા જે તેઓએ પૂર્ણ કર્યા હતા. બાદમાં અજાણ્યા ગઠિયાઓએ એક લિંક મોકલી એકાઉન્ટ બનાવવા માટે કહેતા પાર્થે એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ ત્રીજી સપ્ટેમ્બરના રોજ તેમના બેન્ક એકાઉન્ટમાં ટાસ્ક પૂર્ણ કરવા બદલ ૧,૨૦૩ જમા થયા હતા. બાદમાં બીજો ટાસ્ક આપી પાંચ સ્ટેપ પૂર્ણ કરવાનું કહેતા રોકાણ કરવા અંગેનો અંતિમ સ્ટેપ હોવાથી પાર્થ શાહે રૂપિયા ૪૦ હજાર ગુગલપેથી રોકાણ કર્યું હતું. 

બાદમાં અજાણ્યા ગઠિયાઓના કહેવા પ્રમાણે અલગ અલગ તારીખે રોકાણ કર્યું હતું. જેમાં એકાઉન્ટમાં જોતા રૂપિયા ૧૪,૨૪૮૧૧ જેટલો નફો થયો હોવાનું દેખાતું હતું. જોકે આ પૈસા ઉપાડવા જતા તમારી ચેનલ બંધ થઈ ગઈ હોવાનું અને ચેનલ ઓપન કરવી પડશે તે માટે રૂપિયા ૮ લાખ ભરવા પડશે તેઓ મેસેજ આવ્યો હતો અને પૈસા ભર્યા બાદ જ તમે નાણાં ઉપાડી શકશો તેવો મેસેજ આવતા પાર્થ શાહને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી જેથી તેઓએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.