Gujarat
આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર
By GS TEAM
10 Sep 20251 min read

- 15 હજારની લાંચમાં પકડાયેલા
- મકાનના કબજાની નોટિસની જાણ કરવા 25 હજારની લાંચ માંગી હતી
આણંદ : મકાનના કબજાની નોટિસની જાણ કરવા બાબતે રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયેલા આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટના આણંદની કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બેંક દ્વારા સરફેસી એક્ટ હેઠળ મકાનનો કબજો સોંપવા ફરિયાદી વિરુદ્ધ આણંદ સિવિલ કોર્ટે એપ્રિલ ૨૦૨૫માં હુકમ કર્યો હતો. હુકમની અમલવારી કરવાનું કહેતા આણંદ જિલ્લા કોર્ટમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડેન્ટ ઉસ્માન ગની ઈસ્માઈલ ગની મીર રહે. આણંદવાળા ફરિયાદીના ઘરે ગયા હતા. બાદમાં મકાનનો કબજો લેવા કોર્ટના માણસ આવે તેની જાણ તથા આગામી કબજાની નોટિસ નીકળશે તેની જાણ કરવા સારું ઉસ્માન ગણીએ વ્યવહાર પેટે ૨૫,૦૦૦ની લાંચ માગી હતી. ૧૦,૦૦૦ અગાઉ લીધા હતા બાકીના ૧૫૦૦૦ની માંગણી કરતા આણંદ એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા ઉસ્માન ગની મીરને ઝડપી પાડયો હતો. એસીબીએ તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.








