ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી

- કપડવંજ તાલુકાના મેનપુરા વિસ્તારમાં
- માંડવાના મુવાડાથી ઝંડા રોડ પાસે કટરથી લીલા વૃક્ષોનું નિકંદન છતાં વન વિભાગ મુકપ્રેક્ષક
કપડવંજના મેનપુરા, ઝંડા, ઘડિયા, દંતાલી, આંબવેલ ગામોમાં બેફામ લીલા વૃક્ષોનું નિકંદન થઈ તાલુકાની શૉ-મિલોમાં લાકડાં ઠલવાઈ રહ્યા છે. ત્યારે મેનપુરા વિસ્તારમાં પરવાનગી વગર વૃક્ષ છેદન કરી ઊંટલારીમાં ઓવરલૉડ લાકડાં ભર્યા હતા. ઢાળ ચઢાવતા ઊંટને બાંધેલો લારીનો દંડો પણ તૂટી ગયો હતો અને ઊંટ વેદનાથી બૂમાબૂમ કરતું હતું. બીજી તરફ માંડવના મુવાડાથી ઝંડા રોડ નજીક કટર મશીનથી લીલા ઝાડનું નિકંદન કરાઈ રહ્યું હતું. ત્યારે આ બંને ઘટના સંદર્ભે પશુઓ પર અત્યાચાર અને પર્યાવરણને નુકસાન સંદર્ભે પ્રાણી અને પ્રકૃતિપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. આ અંગે વન વિભાગ દ્વારા ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.
વૃક્ષ છેદન અને હેરાફેરી અંગે તપાસ કરી કાર્યવાહી કરાશે : ફોરેસ્ટ ઓફિસર
આ અંગે કપડવંજ તાલુકાના ફોરેસ્ટ ઓફિસર બીનલભાઈ પટેલે જણાવ્યું હતું કે, કપડવંજ તાલુકામાં આડેધડ થઈ રહેલા વૃક્ષ છેદન કરી ટ્રેક્ટર, ઊંટલારીમાં હેરાફેરીની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.









