રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે આંદોલનનું રણશિંગુ

- તારીખ 6 ના રોજ ભરૂચમાં ધરણા અને દેખાવો કરશે
- રાજકોટ ,સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બાદમાં ધરણા કરાશે
વડોદરા, તા. 05
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે આંદોલનના મંડાણ શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં તારીખ 6 ના રોજ દક્ષિણ ઝોનના તમામ જિલ્લાના કર્મચારી સંઘના હોદ્દેદારો ભરૂચ ખાતે ભેગા થઈ ધરણા કરશે ,અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે. આ કાર્યક્રમ બાદ સંકલન સમિતિ સૌરાષ્ટ્રમાં રાજકોટ, ત્યારબાદ સાબરકાંઠા ,અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ ધરણાં અને દેખાવોનો કાર્યક્રમ યોજશે. રાજ્ય સરકારના કર્મચારીઓના જુદા જુદા 20 જેટલા મંડળો છે જેની એક ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ બની છે. જે સરકાર સાથે પોતાના પ્રશ્નો સંદર્ભે વાટાઘાટો કરે છે. આ સંકલન સમિતિએ વિવિધ પ્રશ્નો અંગે હવે આંદોલનનું શસ્ત્ર ઉગામવા નક્કી કર્યું છે. સંકલન સમિતિના મહામંત્રી ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ભારત સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર પંચના તમામ લાભો આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે. હાલમાં કર્મચારીઓને તારીખ1- 1 -2016 થી સાતમુ પગાર પંચ સ્વીકારીને પગારનો લાભ આપેલ છે જ્યારે તમામ ભથ્થાઓ અને અન્ય લાભો છઠ્ઠા પગાર પંચ મુજબ ના જુના દરે મળે છે .મહા સંઘો અને મંડળોના હોદ્દેદારોએ નક્કી કર્યા મુજબ અગાઉ ૧૬ જેટલા પડતર પ્રશ્નોનું સરકારે કોઈ નિવારણ નહીં લાવતા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. તારીખ 23 ડિસેમ્બરે સંકલન સમિતિના હોદ્દેદારો ની કારોબારી મીટીંગ મળી હતી .રાજ્યના કર્મચારીઓને જુલાઈ 2021 નું ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ ,સાતમા પગાર પંચના બાકી લાભો, વયનિવૃત્તિ 58 થી વધારીને 60 વર્ષ કરવી, જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી, પંચાયત ,કોર્પોરેશન, બોર્ડ નિગમ, નગરપાલિકા, યુનિવર્સિટીના વર્કચાર્જ અને રોજમદાર કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણવા તથા પગાર પંચના તમામ લાભો આપવા, વર્ગ-૪ માં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી, નિયમિત નવી ભરતી કરવી, ચાલુ ફરજ દરમિયાન કર્મચારીના અવસાન બાદ વારસદારને ત્રણ મહિના પૂરા પગારમાં રહેમરાહે નોકરી આપવી, રાજ્યના તમામ જિલ્લાના કર્મચારીઓને જિલ્લામાં રાહત દરે પ્લોટ આપવા વગેરે માંગણી હજી સંતોષવામાં આવી નથી.




