રામપુરા-દેત્રોજમાં કોરોનાથી એક 18 વર્ષના યુવાનનું મોત થયું

અમદાવાદ,તા.07 ફેબ્રુઆરી 2022, સોમવાર
અમદાવાદ જિલ્લામાં સોમવારે રામપુરા-દેત્રોજમાં એક ૧૮ વર્ષના યુવકનું કોરોનામાં મોત થયું હતું. કિડની ફેલિયોર હોવાથી તે યુવક ડાયાલીસીસ પર હતો અને કોરોના પોઝિટિવ આવતા તેનું મોત નિપજ્યું છે. દેત્રોજ તાલુકામાં કોરોનામાં આ પહેલું મોત થયું છે. સોમવારે જિલ્લામાં કોરોનાના વધુ ૩૧ કેસ મળી આવ્યા હતા.
સાણંદ તાલુકામાં ૧૫, દસક્રોઇમાં ૯, દેત્રોજમાં ૩, ધંધૂકામાં ૨, અને માંડલ, વિરમગામમાંથી કોરોનાના ૧-૧ કેસ સોમવારે નોંધાયા હતા. જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૧૮૭ થઇ ગઇ છે.
જિલ્લામાં ત્રીજી લહેરનું જોર ઘટયું છે. સંક્રમણની સંખ્યા દિનપ્રતિદીન ઘટી રહી છે. પરંતુ ત્રીજી લહેરમાં મોતના આંકડા પણ વધતા જઇ રહ્યા છે. તે ચિંતાનો વિષય બન્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાએ ૧૦૨ લોકોનો ભોગ લઇ લીધો છે. તેમાંથી પાંચ લોકોના મોત આ ત્રીજી લહેરમાં થઇ ચૂક્યા છે.
દસક્રોઇમાં જેતલપુર, ભાવડામાં બે મોત થયા હતા. ત્યારબાદ સાણંદ તાલુકામાંથી બે મોત નોંધાયા હતા. પહેલી વખત દેત્રોજ તાલુકામાં રામપુરા ગામે કોરોનામાં એક યુવાનનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે.




