Get The App

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો 1 - image


Amreli News: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજયાસર ગામની સીમમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. લોહીના સંબંધો જ્યારે દુશ્મન બની જાય ત્યારે કેવી ભયાનક સ્થિતિ સર્જાય છે, તેનો પુરાવો અહીં જોવા મળ્યો છે. માત્ર ચા બનાવવા જેવી સામાન્ય  સાવકા પુત્રએ પોતાના જ પાલક પિતા પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલ  બગસરા પોલીસે હત્યારા સાવકા પુત્ર સુરેશ મસારની ધરપકડ કરી લીધી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મુંજયાસર ગામની સીમમાં કિશોરભાઈ પટોળીયાની વાડીમાં પરપ્રાંતિય શ્રમિક પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં 'ચા બનાવવા' જેવી બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. આ તકરાર એટલી હદે વણસી હતી કે આરોપી પુત્ર સુરેશ મસારે ઉશ્કેરાઈ જઈને તેના પાલક પિતા રમણભાઈ કટારાના માથાના ભાગે બોથડ પદાર્થ વડે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે રમણભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: બુટલેગરોની હિંમત તો જુઓ! પાણી પુરવઠાની ઓરડીને જ બનાવી દીધું દારૂનું ગોડાઉન, કર્મચારીની સંડોવણીની આશંકા

હત્યારો સુરેશ એટલો આવેશમાં હતો કે તેણે માત્ર પિતાની હત્યા જ ન કરી, પરંતુ વચ્ચે પડેલી અન્ય બે મહિલાઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં સુરેશની માતા સીતાબેન અને રમણભાઈની પુત્રી અસ્મિતા પણ ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત બનેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસની કડક કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ અમરેલી ડીવાયએસપી (DySP) ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બગસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બગસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સાવકા પુત્ર સુરેશ મસારની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યા અને હુમલાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.