Get The App

અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, રૂ.1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, રૂ.1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ 1 - image


Amreli News: અમરેલી જિલ્લાના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં આજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી અને કુકાવાવ સહિતના કેન્દ્રો પર સવારથી જ ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચ્યા હતા. અગાઉ મગફળી, અડદ અને સોયાબીનની ખરીદી પૂર્ણ થયા બાદ હવે તુવેરની ટેકાના ભાવે ખરીદીની કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં હરખની હેલી છે.

બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેની સ્થિતિ

હાલમાં ખુલ્લા બજારમાં તુવેરના ભાવ 1300 થી 1450 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. તેની સામે સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ 1600 હોવાથી ખેડૂતોને મણ દીઠ 200 થી 250 રૂપિયા જેટલો ભાવ વધુ મળી રહ્યો છે. ખુલ્લા બજારમાં વળતર ઓછું મળતું હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવના સેન્ટરો પર તુવેર વેચવા લાઈનો લગાવી છે.

ખરીદીના નિયમો અને પ્રક્રિયા

કેન્દ્રો પર ખરીદીના પ્રારંભે શ્લોક સાથે શ્રીફળ વધેરી પરંપરાગત વિધિ બાદ તોલમાપ શરૂ કરવામાં આવ્યા હતા. ગુજકોમાસોલના પ્રતિનિધિએ કહ્યું હતું કે નિયમ અનુસાર ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદામાં 125 મણ તુવેરની ખરીદી કરવામાં આવી છે.

આ પણ વાંચો: દાહોદમાં હચમચાવી દેનારી ઘટના: રમતા-રમતાં કૂવામાં ખાબકતાં બે માસૂમ ભાઈ-બહેનના કરૂણ મોત, ગામમાં અરેરાટી

ખેડૂતોની ખુશી અને રજૂઆત

કેન્દ્રો પર હાજર ખેડૂતોએ જણાવ્યું હતું કે, બજારમાં પૂરતા ભાવ ન મળતા હોવાથી ટેકાના ભાવે વેચાણ વેચાણ કરી રહ્યા છે, જેનાથી આર્થિક રીતે ફાયદો પણ થઈ રહ્યો છે. સાથે જ ખેડૂતોએ એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે અન્ય ખેત પેદાશોમાં પણ જો પૂરતા ભાવ અને ખરીદીની વ્યવસ્થા જળવાઈ રહે તો ખેતીના ખર્ચ સામે ખેડૂતોને સારું વળતર મળશે. હાલ તો જિલ્લાના તમામ ખરીદી કેન્દ્રો પર ખેડૂતોના વાહનોની કતારો જોવા મળી રહી છે અને તુવેરના સેમ્પલ ચેક કર્યા બાદ તેની ખરીદીની પ્રક્રિયા આગળ વધી રહી છે.