Gujarat

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઇલ આવતા તંત્રમાં દોડધામ

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
અમરેલી શહેરમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા ધમકીભર્યા ઈ-મેઈલનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (નવમી માર્ચ) અમરેલી કોર્ટની જજ ચેમ્બર અને સમગ્ર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. અજમલ કસાબ અને તમિલનાડુના મુદ્દાનો ઉલ્લેખ ધરાવતા આ ઈ-મેઈલ બાદ સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ મોડ પર આવી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઇલ આવતા તંત્રમાં દોડધામ

Amreli Court Bomb Threat: અમરેલી શહેરમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા ધમકીભર્યા ઈ-મેઇલનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (નવમી માર્ચ) અમરેલી કોર્ટની જજ ચેમ્બર અને સમગ્ર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. અજમલ કસાબ અને તમિલનાડુના મુદ્દાનો ઉલ્લેખ ધરાવતા આ ઈ-મેઇલ બાદ સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ મોડ પર આવી ગઈ છે.


14 RDX બોમ્બથી વિસ્ફોટની ધમકી

મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં જણાવાયું છે કે કોર્ટ પરિસરમાં 14 જેટલા RDX ભરેલા બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવશે. ઈ-મેઇલમાં અજમલ કસાબ અને તમિલનાડુના મુદ્દાને લઈને લખ્યું કે 'કોર્ટ શું કામની, જો તે નિર્દોષ નાગરિકોને ન્યાય ન અપાવી શકે.' આ ધમકી મળતાં જ પોલીસ કાફલો કોર્ટ ખાતે દોડી ગયો હતો.

સઘન સર્ચ ઓપરેશન અને કોર્ટ ખાલી કરાવાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટમાં કામકાજ અટકાવીને તમામ વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢી પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. ડોગ સ્ક્વોડ, FSLની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટ પરિસરની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને કાબૂમાં લેવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

થોડા દિવસોમાં આ બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ અમરેલીની પોસ્ટ ઑફિસ અને પાસપૉર્ટ ઑફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર મળી રહેલા આ પ્રકારના ઈ-મેઇલ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે કોઈની ટીખળ, તે દિશામાં સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.