અમદાવાદમાં નવરાત્રીને લઈને AMCની ગાઈડલાઈન, ફૂડ સ્ટોલધારકોને આ નિયમો પાળવા ફરજિયાત
AMC Guidelines On Navratri 2025 : નવરાત્રિનો પાવન પર્વ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડના સ્ટોલ માટે AMCએ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં સ્ટોલ રાખનારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ફરજિયાત લાયસન્સ મેળવવાનું રહેશે. આ સાથે ફૂડ સ્ટોલ ધારકોએ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે.
નવરાત્રિમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ધારકોએ foscos.fssai.gov.in ની વેબસાઈટ પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરીને સ્ટોલ માટે લાયસન્સ મેળવવાનું રહેશે. જેમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓએ કેપ, હેન્ડગ્લોવ્સ, એપ્રન ફરજિયાત રાખવાનું રહેશે. આમ ફૂડે સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ, સ્ટોલ માટે લાયસન્સ લીધા વગર ચીજવસ્તુનું વેચાણ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 'આગામી સમયમાં નવરાત્રિના તહેવાર દરમિયાન બંદોબસ્તના આયોજન અને SHE Teamની કામગીરી અંગે સૂચના આપવામાં આવી છે. નવરાત્રિ સમયે SHE Team પેટ્રોલિંગ કરશે.'
આ પણ વાંચો: ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ