નવરાત્રિ આવી છતાં SG હાઈવે પર અંધારપટ: અનેક સ્થળે લાઈટો બંધ હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય
Ahmedabad News : નવરાત્રિનો તહેવાર બસ એક જ દિવસ દૂર છે અને અમદાવાદનો વ્યસ્ત સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે હજુ પણ અનેક સ્થળે અંધકારમાં ડૂબેલો છે. આ હાઈવે પર રાત્રે મોડી સુધી લોકોની ભારે અવરજવર રહેતી હોવા છતાં, વીજળીના થાંભલા પરની સ્ટ્રીટ લાઈટ્સ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે.
તંત્રની આંખો ક્યારે ખુલશે?
ભૂતકાળમાં, આ જ હાઈવે પર બનેલા તથ્યકાંડ જેવી જીવલેણ ઘટનાઓએ આખા રાજ્યને હચમચાવી દીધું હતું. આ પ્રકારના ગંભીર બનાવો છતાં, તંત્રની બેદરકારી યથાવત છે. હાઈવે પરના ઘણા ઓવરબ્રિજ અને માર્ગો પર મહિનાઓથી લાઈટો બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અંધારપટને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માત થવાની શક્યતા વધી રહી છે.
નવરાત્રિમાં વધશે મુશ્કેલી
એક તરફ, હાઈવે પર રોડનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફનો રસ્તો છ મહિના માટે બંધ રાખવામાં આવ્યો છે અને ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દિવસ દરમિયાન પણ આ ડાયવર્ઝનને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે, ત્યારે હવે નવરાત્રિની રાત્રિઓમાં જ્યારે લોકો મોડી રાત સુધી ગરબા અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપીને પરત ફરશે, ત્યારે અંધારામાં આ ડાયવર્ઝન ને કારણે ભારે અકસ્માતો સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ
જ્યારે એક તરફ તહેવારોની ઉજવણીનો ઉત્સાહ છે, ત્યારે બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીએ લોકોના જીવને જોખમમાં મૂક્યા છે. આશા રાખીએ કે, કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે SG હાઈવે પર લાઈટની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરે.