ખેલૈયાઓ માટે મોટા સમાચાર: નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી, અમદાવાદ પોલીસ કમિશનરે આપી માહિતી
Ahmedabad Police Commissioner On Navratri 2025 : શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે.
નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી
રાજ્યભરમાં નવરાત્રિને લઈને ખેલૈયાઓ ગરબાની મોજ માણવા માટે તૈયાર છે. અમદાવાદના અનેક જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશનરે શહેર સુરક્ષાને લઈને પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના અધ્યક્ષ સ્થાને આજે મંગળવારે (16 સપ્ટેમ્બર) ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 'આગામી સમયમાં નવરાત્રિના તહેવાર દરમિયાન બંદોબસ્તના આયોજન અને SHE Teamની કામગીરી અંગે સૂચના આપવામાં આવી છે. નવરાત્રિ સમયે SHE Team પેટ્રોલિંગ કરશે.'
આ પણ વાંચો: નવરાત્રિના પહેલા નોરતે વરસાદનું વિઘ્ન, ગુજરાતમાં 6 દિવસની હવામાન વિભાગની આગાહી
નવરાત્રિમાં મોડા સુધી ગરબા રમવાને લઈને કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો છે. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને ટ્રાફિક સહિતની સમસ્યા નિવારવા પોલીસ કાર્યરત રહેશે. નવરાત્રિમાં ધ્વનિ પ્રદૂષણને લઈને સરકાર દ્વારા પોલિસી તૈયાર કરવામાં આવી છે.