Gujarat

અંબાજી નજીક ત્રિશુલિયાઘાટીમાં ત્રણ અકસ્માત, બેના મોત અને એક ગંભીર

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા રોડ પર આવેલા ત્રિશુલિયાઘાટી નજીક શનિવારે અકસ્માતોની વણઝાર જોવા મળી હતી, જેમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અંબાજી નજીક ત્રિશુલિયાઘાટીમાં ત્રણ અકસ્માત, બેના મોત અને એક ગંભીર

Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા રોડ પર આવેલા ત્રિશુલિયાઘાટી નજીક શનિવારે અકસ્માતોની વણઝાર જોવા મળી હતી, જેમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પીકઅપ વાન અને બાઇકની ટક્કર: એકનું મોત

પ્રથમ અકસ્માત મોડી રાત્રે દાંતા તાલુકાના પુંજપુર પેટ્રોલ પંપ પાસે થયો હતો. એક ઝડપી ગતિએ આવતી પીકઅપ વાને બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. મૃતક રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

ટ્રેલર પલટી જતાં ડ્રાઇવરનું મોત

બીજો અકસ્માત ત્રિશુલિયાઘાટી નજીક જ થયો હતો. અંબાજી તરફથી આવી રહેલું એક ટ્રેલર અચાનક પલટી મારી ગયું હતું, જેના કારણે ટ્રેલરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રકની બ્રેક ફેલ થતાં પોલીસ વાહનોને અડફેટે લીધાં

ત્રીજી ઘટનામાં દાંતા તરફ જઈ રહેલી એક ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ જતાં ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રકે રસ્તા પર ઊભેલાં પોલીસનાં વાહનોને અડફેટે લીધાં હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ ત્રણેય અકસ્માતોની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર ઘટનાઓથી ત્રિશુલિયાઘાટી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.