Gujarat

અંબાજી ISO સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું

By GS Team
23 Jul 20201 min read
This article was originally published on 23 Jul 2020
અંબાજી ISO સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું

અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર

કરોડો માઇભક્તોની શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર આદ્યશક્તિ પીઠ અંબાજી ધામ હવે ISO 9001:2015 સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું સૌપ્રથમ યાત્રાધામ બન્યું છે. 

બનાસકાંઠા જિલ્લામાં આવેલા આદ્યશક્તિ પીઠ અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે પસંદગી કરવામાં આવી તેમાં સમગ્ર મંદિર પરિસરનું આયોજનબદ્ધ સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ, પ્રસાદ-અન્ય ખાદ્ય સામગ્રી, યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલન, અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન-સેવાકીય પ્રવૃત્તિઓ જેવી બાબતો આવરી લેવામાં આવી છે.

ઇન્ટરનેશનનલ ઓર્ગેનાઇઝ્ડ ફોર સ્ટાન્ડાર્ડાઇઝેશન (આઇએસઓ) એ બ્રિટનનું સંગઠન છે અને તેના દ્વારા જે-તે સંગઠનો-સંસ્થાનોને તેની ગુણવત્તાયુક્ત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતીની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધારે આઇએસઓ સર્ટિફિકેશન માટેની પસંદગી આ સંસ્થા કરે છે. 

ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોર-વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા-આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ-બનાસકાંઠાના કલેક્ટર સંદીપ સાંગલેને ISO 9001:2015 સર્ટિફિટ એનાયત કર્યું હતું. આ સર્ટિફિકેટ 3 વર્ષ માટે માન્ય રહે છે. દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે-તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી પણ થતી હોય છે.