Gujarat

વડોદરાના વોર્ડ નં. 12માં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

By GS TEAM
23 May 20261 min read
TukuTouch Logo
બિલ પાણીની ટાંકી પાસે બનાવાયેલા રસ્તાની ગુણવત્તા સામે સ્થાનિક રહીશોમાં રોષ, વરસાદમાં રસ્તો ધોવાઈ જવાની ભીતિ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વોર્ડ નં. 12માં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 12 વિસ્તારમાં બિલ પાણીની ટાંકી પાસે બનાવવામાં આવેલા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક રહીશોએ રસ્તાની કામગીરીને તકલાદી ગણાવી વિરોધ નોંધાવ્યો છે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માગ ઉઠાવી છે.

સ્થાનિક રહીશ અક્ષયભાઈએ આક્ષેપ કર્યો હતો કે શિવમ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ રસ્તા માટે યોગ્ય બેઝ તૈયાર કર્યા વગર માટી ઉપર સીધો ડામર પાથરી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલથી જ ડામર ઉખડવા લાગ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

રહીશોના જણાવ્યા મુજબ રસ્તામાં મજબૂતાઈનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. વરસાદી સિઝનમાં રસ્તાનું ધોવાણ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી ગુણવત્તાની ચકાસણી કરવાની માંગ કરી છે. 

રહીશોએ આ સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી તકલાદી કામગીરી અટકાવવા માટે સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.