Gujarat

પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ

By GS TEAM
22 Jun 20261 min read
પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ

શહેરના તુલસીવાડી શાકમાર્કેટ પાસે પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોંગી કાઉન્સિલરે મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયા મુજબરાજ્ય સરકાર દ્વારા મ્યુનિ.કોર્પોરેશનને ફાળવાતી વિવિધ ગ્રાન્ટોનો દૂરુપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં વોર્ડ નંબર ૭માં આવેલા કારેલીબાગ શાકમાર્કેટથી વિજયનગર ચાર રસ્તા સુધી બંને તરફ બિનજરુરી પેવર  બ્લોક નાખવામાં આવ્યા છે, જે સામાન્ય વરસાદમાં જ ઉખડી ગયા છે.

ખરેખર ખોદકામ કરી તેમજ બાઉન્ડ્રી બનાવી આ કામગીરી કરવાની હોય છે, પરંતુ રસ્તા પર પેવર બ્લોક મૂકી સિમેન્ટ લગાવી દીધો છે. આ અંગે વોર્ડ કક્ષાએ ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી થઈ નથી. આ કોન્ટ્રાક્ટરની તમામ કામગીરીની ફાઈલો તપાસવી જરૃરી છે. આવા ઘણા કામો અધૂરા રાખી મહેનતાણાની રકમ મેળવી લીધી હશે, અને એક જ કામનો અલગ-અલગ ગ્રાન્ટમાં ખર્ચ પાડી સરકારી નાણાનો દૂરુપયોગ થયો હોવાના આક્ષેપ કર્યા છે.