Gujarat

જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા 14.06 લાખની ઉચાપતનો આક્ષેપ : મેનેજર સામે વિશ્વાસઘાત અને ધમકીની ફરિયાદ

By GS TEAM
9 Jun 20262 mins read
TukuTouch Logo
રજા દરમિયાન સોંપાયેલા વહીવટમાં ગેરરીતિનો આરોપ ; નોટરી લખાણ આપ્યા છતાં રકમ પરત નહી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા 14.06 લાખની ઉચાપતનો આક્ષેપ : મેનેજર સામે વિશ્વાસઘાત અને ધમકીની ફરિયાદ

Jamnagar Fraud Case : જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલા ‘જય દ્વારકાધીશ પેટ્રોલિયમ’ પેટ્રોલ પંપમાં રૂપિયા 14,06,857ની ઉચાપત થયાનો આક્ષેપ સામે આવ્યો છે. પેટ્રોલ પંપના ભાગીદાર કેતનભાઈ લાલજીભાઈ પરમારે ધ્રોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પંપના કર્મચારી દાઉદશા અનવરશા શાહમદાર સામે વિશ્વાસઘાત અને ધમકી આપ્યાનો ગુનો નોંધાવાયો છે.

ફરિયાદ મુજબ ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપનું સંચાલન 4 ભાગીદારો દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2018થી શરૂ થયેલા આ પેટ્રોલ પંપમાં મેનેજર નિશાંતભાઈ રજાએ જતા તા.02 ડિસેમ્બર 2025થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન સમગ્ર વહીવટ દાઉદશા અનવરશા શાહમદારને સોંપવામાં આવ્યો હતો.

આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલનું કુલ રૂપિયા 44,95,368નું વેચાણ થયું હોવાનું હિસાબમાં સામે આવ્યું હતું, જ્યારે બેંક અને હિસાબમાં માત્ર 30,88,511 જમા કરાવવામાં આવ્યા હોવાનું જણાયું હતું. તપાસ કરતાં 14,06,857ની રકમનો તફાવત સામે આવ્યો હતો. 

ભાગીદારોએ હિસાબ અંગે પૂછપરછ કરતાં દાઉદશાએ પોતાના ઉપયોગ માટે રકમ ખર્ચી નાખ્યાનું સ્વીકાર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ દાઉદશા અને તેના ભાઈ રફીકશા અનવરશા શાહમદારે તા.17 જાન્યુઆરી 2026ના રોજ નોટરી લખાણ કરી રકમ પરત આપવાની ખાતરી આપી હતી.

જોકે નોટરીમાં દર્શાવેલ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રકમ પરત આપવામાં આવી નહોતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ રકમની ઉઘરાણી માટે સંપર્ક કરતાં આરોપી ગોળમટોળ જવાબ આપતો હતો અને બાદમાં “તમારાથી જે થાય તે કરી લેજો, રૂપિયા આપવાના નથી” કહી હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. 

આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસે ફરિયાદના આધારે આરોપી દાઉદશા અનવરશા શાહમદાર વિરુદ્ધ વિશ્વાસઘાત, ઉચાપત અને ધમકી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.