Get The App

અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે

ગત વર્ષની તુલનામાં સોનું ૭૫ ટકા અને ચાંદીમાં લગભગ ૧૯પ ટકા ઉછાળો

વેપારમાં અડધાથી વધુ ઘટાડો

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે 1 - image

શહેરમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના શુભ દિવસે સામાન્ય રીતે સોની બજારમાં ભીડ જામતી હોય છે, પરંતુ આ વર્ષે સોના - ચાંદીના અતિ ઊંચા ભાવના કારણે ગ્રાહકો બજારમાં આવ્યા છતાં ખરીદીથી દૂર રહેતા જોવા મળ્યા, જેના લીધે વેપારીઓમાં નિરાશાનો માહોલ છવાયો હતો.

લોકમાન્યતા મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે, છતાં આ વર્ષે ભાવમાં થયેલા ભારે ઉછાળાએ લોકોની ખરીદી ક્ષમતાને શૂન્યવત્ કરી નાખી છે. જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ મિત્તલ ઘીયાના જણાવ્યા મુજબ, હાલ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂા. ૧.૫૮ લાખ, જ્યારે ચાંદીનો એક ક્લિોનો ભાવ રૂા. ૨.૬૦ લાખ સુધી પહોંચી ગયો છે.

એમણે ઉમેર્યું કે, આ વર્ષે માત્ર જરૂરી ખરીદી, ખાસ કરીને લગ્ન પ્રસંગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. રોકાણ અને સ્ટોક માટે આવતા ગ્રાહકો લગભગ ગાયબ રહ્યા છે. વેપારની વાત કરીએ તો, ગયા વર્ષે અખાત્રીજ પર વડોદરામાં અંદાજે ૧૫૦ થી ૧૬૦ કરોડનો વેપાર થયો હતો, જ્યારે આ વર્ષે માત્ર ૮૦ થી ૧૦૦ કરોડ સુધી સીમિત રહ્યો છે, જે બજારમાં મંદીનું ચિત્ર સ્પષ્ટ કરે છે.

ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં આશરે ૭પ ટકાનો, જ્યારે ચાંદીના ભાવમાં લગભગ ૧૯૫ ટકાનો વધારો નોંધાયો છે. ગત્ વર્ષે અખાત્રીજે વડોદરામાં સોનાનો ભાવ રૂા. ૯૦ હજાર અને ચાંદીનો ભાવ રૂા.૮૮ હજા૨ રહ્યો હતો.

વૈશ્વિક પરિસ્થિતિ, યુદ્ધ જેવી અશાંતિ અને વધતા ભાવોનો સીધો પ્રભાવ બજા૨ ૫૨ પડ્યો હોવાનું પણ માનવામાં આવે છે.