AIMIM Protests UCC in Ahmedabad: ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર થવાની હિલચાલ વચ્ચે આજે (21મી માર્ચ) અમદાવાદમાં વિરોધના સૂર ઉઠ્યા છે. રમજાન ઈદના તહેવારના દિવસે જ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જુમ્મા મસ્જિદ બહાર એકત્ર થઈને UCC બિલ સામે દેખાવો કર્યો હતો.
'UCC હટાવો, દેશ બચાવો'ના નારા સાથે દેખાવો
મળતી માહિતી અનુસાર, AIMIMના કાર્યકર્તાઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર ઉતરી આવ્યા હતા. દેખાવકારોએ 'UCC હટાવો, દેશ બચાવો', 'UCC રદ કરો' અને 'શરિયત વિરોધી કાયદો નામંજૂર' જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે આ બિલ સામાજિક માળખાને નુકસાન પહોંચાડે છે અને તે લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે.
પોલીસે કાર્યકરોની અટકાયત કરી
આ દેખાવો કરવાની પોલીસની પૂર્વ પરવાનગી વિના કરવામાં આવ્યું હોવાથી સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મસ્જિદની બહાર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત હતો. દેખાવો શરૂ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ દેખાવકારોની અટકાયત કરી હતી. ઈદનો તહેવાર હોવાથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.


