Get The App

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID તપાસ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID તપાસ 1 - image


Ahmedabad Bank Fraud Zenith Corporation: અમદાવાદ શહેરના ભાડજમાં રહેતા મનીષ ડાંગી અને તેના બે ભાગીદારોએ 'ઝેનીથ કોર્પોરેશન'ના નામે એક્સિસ, એચડીએફસી, એસબીઆઇ અને કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટમાંથી લોન લઇને આશરે રૂપિયા 42 કરોડ જેટલી રકમ પરત કરી ન હતી. આરોપીઓએ લોન લેવા માટે કંપનીના નામે બનાવટી હિસાબો અને સ્ટોકના દસ્તાવેજો બનાવ્યા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

પહેલા હપ્તા ભર્યા બાદમાં ચૂનો

એલિસબ્રિજ લૉ ગાર્ડન પાસે આવેલી એક્સિસ બેંકના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, શિલજ-થલતેજ રોડ પર આવેલા 'ટાઇમ્સ સ્ક્વેર'માં કાર્યરત ઝેનીથ કોર્પોરેશનના મનીષ ડાંગી (રહે. ભાડજ)એ ગત ડિસેમ્બર 2021માં એક્સિસ બેંકની સી.જી. રોડ પરની બ્રાંચમાં બે પ્લોટ ગીરો મૂકીને રૂપિયા 5 કરોડની લોન લીધી હતી, જેના પ્રારંભિક તબક્કામાં તેમણે હપ્તા ભર્યા હતા.

ખોટા દસ્તાવેજો અને સ્ટોક

પરંતુ, ત્યારબાદ નાણાં ચૂકવવાનું બંધ કરી દીધું હતું. જેથી બેંક દ્વારા ફોરેન્સિક ઓડિટ કરાવીને તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે મનીષ ડાંગીએ ખોટા નાણાકીય હિસાબના દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને કોલસાનો સ્ટોક પણ ખોટો દર્શાવ્યો હતો. આ મોડ્સ ઓપરેન્ડીથી એક્સિસ બેંક સાથે રૂપિયા 5.14 કરોડ અને એચડીએફસી બેંકમાંથી રૂપિયા 9.75 કરોડની લોન લઇને ચૂકવી ન હતી, જેથી વ્યાજ સહિત રૂપિયા 10.31 કરોડ જેટલી રકમ બાકી નીકળતી હતી.

આ ઉપરાંત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂપિયા 7.99 કરોડની અને કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ સાથે રૂપિયા 18 કરોડ મળીને કુલ રૂપિયા 41.42 કરોડની ઠગાઇ કરી હતી. મનીષ ડાંગીએ તેની કંપનીમાં ગિરીશ ગોયલ અને હેમંત ડાંગીના નામ ભાગીદાર તરીકે દર્શાવ્યા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.