Get The App

અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ 1 - image

Ahmedabad Water Supply: રાજ્યમાં સૌથી વધુ માથાદીઠ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન 255 લીટર પાણી શહેરની અંદાજિત ૭૫ લાખની વસ્તી સુધી પહોંચાડવા રોજ રૂપિયા બે કરોડ ખર્ચ કરે છે. નર્મદા કેનાલથી શહેરના 235 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પાણી પહોંચાડી તેને ટ્રીટ કરીને કલોરીનેશન કરવા સહિતનો વાર્ષિક રૂપિયા 725 કરોડનો ખર્ચ કોર્પોરેશન કરે છે. જેની સામે કોર્પોરેશનની વોટર ટેકસની વાર્ષિક આવક રૂપિયા 273 કરોડની આસપાસ થાય છે. અમદાવાદની તુલનામા સુરત, રાજકોટ કે વડોદરાના લોકોને રોજ માથા દીઠ 150થી 200 લીટર પાણી અપાય છે. નર્મદાનુ પાણી છે કે, કચ્છ સુધી આપવાનુ આયોજન થઈ ગયુ છે. આ સ્થિતિમાં અમદાવાદીઓએ અત્યારથી જ પાણી વપરાશમાં કરકસર શરૂ કરવી પડશે.

રો-વોટર ટ્રીટ કરી લોકો સુધી પહોંચાડવા વાર્ષિક 725 કરોડ રૂપિયાનો ખર્ચ 

નર્મદાકેનાલથી શહેરના 235 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી રો વોટર લાવી કોતરપુર ઉપરાંત જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ  ખાતે રો વોટરના ટ્રીટમેન્ટ અને કલોરીનેશનની પ્રક્રીયા કરી જે તે વિસ્તારની પોળો, ચાલીઓ,સોસાયટીઓથી લઈ એપાર્ટમેન્ટ,લો રાઈઝ કે હાઈરાઈઝ બિલ્ડિંગ સુધી પાણી પહોંચતુ કરાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી પેટર્નના કારણે અમદાવાદમા દર વર્ષે સરેરાશ 45 ઈંચની આસપાસ વરસાદ વરસતો હોય છે. 

અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ 2 - image

નિષ્ણાતોનુ માનવું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમ પણ તેની પુરી સપાટીએ ભરાઈ જાય છે. આમ છતાં જે પ્રમાણે અમદાવાદના વિસ્તાર અને વસતીનો વ્યાપ વધતો જાય છે. તેને લઈને અમદાવાદીઓએ પાણી વપરાશમાં અત્યારથી જ કરકસર કરવી પડશે. અમદાવાદ જેવા શહેરમાં કોર્પોરેશન તરફથી રોજ 180 કરોડ લીટર પાણી શહેરીજનોને પુરૂ પાડવામા આવે છે. આ ઉપરાંત અનેક સોસાયટીઓ. એપાર્ટમેન્ટ કે અન્ય પ્રકારના બિલ્ડિંગોમાં તેમના પ્રાઈવેટ બોર પણ ઓપરેટ કરાતા હોય છે. આ કારણથી શહેરના ગ્રાઉન્ડ વોટર લેવલમાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. જે બાબત આવનારા સમય માટે ચિંતાજનક કહેવાય છે.

અમદાવાદ કોર્પોરેશનની વોટર ટેકસની વાર્ષિક આવક 273 કરોડ રૂપિયા આસપાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સના બીલની સાથે જે પાણી વેરો વસૂલે છે તેની વાર્ષિક આવક 273 કરોડ રૂપિયાની આસપાસ થતી હોય છે. શહેરીજનો માથા દીઠ પાણીનો જેટલો વપરાશ કરે છે તેની સરખામણીમા જેટલુ પાણી વાપરે છે તે સામે પાણી વેરો તો સાવ સામાન્ય કહી શકાય.

આ પણ વાંચો: રાજકોટની હચમચાવતી ઘટના : મોબાઇલ જોવા ન મળતાં 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી

ખાડિયા સહિતના અન્ય વોર્ડમા પાણીનો વેડફાટ

અમદાવાદના ખાડિયા વોર્ડમાં આવેલી મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ છે. કોમર્શિયલ બાંધકામો થવાથી પોળોમા રહેતા પરીવાર ઓછા થઈ ગયા છે. ઉપરાંત અનેક મકાનો બંધ હાલતમાં છે. આમ છતાં પોળોમા રહેતા લોકો પૈકી કેટલાક તો એવા પરિવારો જોવા મળ્યા છે કે જે રોજ સવારે વહેલા ઉઠવા માટે થઈને તેમના ઘર પાસે આવેલો નળ રાતથી જ ખુલ્લો રાખે છે. સવારે પાણી સપ્લાય છ કલાકથી શરૂ થાય અને એ પછી 15થી 20 મીનીટ સુધી ચાલુ રાખવામા આવેલા નળમાંથી પાણી વહેતુ રહેતુ હોય છે. આ પ્રમાણે શહેરના કેટલાક વોર્ડમાં પીવાના પાણીનો ઉપયોગ વાહનો ધોવામા કે ઘરના આંગણા સાફ કરવા માટે કરવામા આવતો હોવાનુ પણ સામે આવ્યુ છે.

તત્કાલીન કમિશનરે બોરનો ઉપયોગ બંધ કરવા કહ્યુ હતું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન શહેરમાં વપરાતા પાણીને લઈ ખુબ ચિંતીત હતા. તેમના દ્વારા લગભગ દરેક વીકલી રિવ્યું બેઠકમાં વોટર પ્રોજેકટ વિભાગના અધિકારીઓને કોર્પોરેશન દ્વારા પાણી સપ્લાય માટે ઉપયોગમા લેવાતા બોરનો ઉપયોગ બંધ કરી નેટવર્ક ગોઠવી પાણી સપ્લાય આપવા માટે તાકીદ કરાતી હતી.